ટ્રેડ વોર: અમેરિકાએ ચીનના ઉત્પાદનો પર લગાવ્યો 25 ટકા ટેરિફ

વોશિંગ્ટન- ચીન અને અમેરિકા વચ્ચે ‘ટ્રેડ વોર’ની આશંકા સમાપ્ત થયાના થોડા દિવસોમાં જ અમેરિકાએ એવી જાહેરાત કરી છે કે, ચીનથી અમેરિકામાં આયાત કરવામાં આવતા 50 અબજ ડોલરના ટેકનિકલ ઉત્પાદનો ઉપર 25 ટકા ટેરિફ લાગૂ કરવામાં આવશે. આ માહિતી વ્હાઈટ હાઉસ દ્વારા આપવામાં આવી હતી. એટલું જ નહીં, ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને એમ પણ જણાવ્યું છે કે, ચીનની ગેરકાયદે વેપાર નીતિઓ પર 30 જૂનના રોજ કાર્યવાહી કરવામાં આવશે.વ્હાઈટ હાઉસ તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ‘અમારી રાષ્ટ્રીય સુરક્ષાને સુનિશ્ચિત કરવા અમેરિકા ચીન પર રોકાણ અંગેના મહત્વપૂર્ણ પ્રતિબંધ અને ટેક્નોલોજી સંબંધિત નિકાસ નિયંત્રણને અમલમાં મુકશે’.

વધુમાં વ્હાઈટ હાઉસના નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, ‘ચીનથી આયાત કરવામાં આવેલા 50 અબજ ડોલરના ટેક્નોલોજી પ્રોડક્ટ્સ ઉપર અમેરિકા 25 ટકા ટેરિફ લગાવશે. ઉપરાંત આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંગઠનમાં પણ ઉઠાવવામાં આવશે. ટેરિફથી પ્રભાવિત થનારા ઉત્પાદનોની યાદી 15 જૂન સુધીમાં જારી કરી દેવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, અમેરિકા દ્વારા આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે અમેરિકાના વાણિજ્ય પ્રધાન વિલબર રોસ આ મુદ્દે ચર્ચા કરવા ચીન જશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ચીન વચ્ચે ‘ટ્રેડ વોર’ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. ગત 23 માર્ચના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે 60 અબજ ડોલરના ચીનના સામાન ઉપર ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી હતી. જેની પ્રતિક્રિયા રુપે ચીને પણ 50 અબજ ડોલરની અમેરિકન પ્રોડક્ટ્સ પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. જો કે, આ ટેરિફ હજી સુધી અમલમાં આવ્યા નથી.