ભારત સરકારને મળી મોટી સફળતા; બ્રિટનના જજે વિજય માલ્યાના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો

લંડન – ભારતની બેન્કો પાસેથી કરોડો રૂપિયાની લોન લઈને એ ચૂકવ્યા વગર બ્રિટન ભાગી ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાનું પ્રત્યાર્પણ કરવા અને એને ભારતભેગો કરી દેવાનો અહીંની એક અદાલતે આજે આદેશ આપ્યો છે.

માલ્યાના પ્રત્યાર્પણ માટે ભારત સરકારે કેસ કર્યો હતો. આજની સુનાવણીમાં લંડનના વેસ્ટમિન્સ્ટર સ્થિત કોર્ટે
પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે.

આ સાથે જ માલ્યાને કરોડો રૂપિયાની લોન કોણે આપી હતી એના નામ જાહેર થશે, ગુનેગારોનો પર્દાફાશ થશે.

વિજય માલ્યા રૂ. 9000 કરોડની રકમની લોન લઈને એ પરત ન કરવા બદલ છેતરપીંડી અને મની લોન્ડરિંગનો આરોપી છે. એ 2016માં ભારતમાંથી ગૂપચૂપ લંડન ભાગી ગયો હતો. 2017માં, ભારતે માલ્યા સામે પ્રત્યાર્પણ કેસ કર્યો હતો, જેને માલ્યાએ પડકાર્યો હતો. હાલ એ લંડનમાં જામીન પર છૂટ્યો છે.

માલ્યાનું પ્રત્યાર્પણ કરવાનો નિર્ણય લંડનના ચીફ મેજિસ્ટ્રેટ જજ ઈમા એર્બટનોટે આપ્યો હતો.

માલ્યાના પ્રત્યાર્પણ માટે ભારતની તપાસ એજન્સીઓ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશ (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ લંડનની કોર્ટમાં કેસ કર્યો હતો.

રૂ. 3,600 કરોડના અગસ્ટાવેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર સોદાના લાંચીયા વચેટિયા અને બ્રિટિશ નાગરિક ક્રિસ્ટીયન મિશેલને દુબઈથી ભારત મોકલી દેવાયાના છ દિવસ બાદ માલ્યાના પ્રત્યાર્પણના સમાચાર આવ્યા છે, જે ભારત માટે આનંદદાયક છે.

પોતે ભારતમાંથી ભાગ્યો હોવાનો માલ્યા અનેક વાર રદિયો આપી ચૂક્યો છે અને કહ્યું હતું કે ભારતીય બેન્કોએ લેવાના નીકળતા પૈસા એ ચૂકવી દેવા તૈયાર છે.

માલ્યાને ફ્યૂજિટીવ ઈકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ હેઠળ મુંબઈની સ્પેશિયલ કોર્ટ સમક્ષ હાજર કરવાની પ્રક્રિયા ચાલુ જ છે.

વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટનાં ચુકાદા બાદ હવે આ મામલો બ્રિટનના ગૃહ મંત્રાલય પાસે જશે અને ગૃહ પ્રધાન સાજિદ જાવિદ પોતાનો નિર્ણય જાહેર કરશે.

ચીફ મેજિસ્ટ્રેટના ચુકાદાને બ્રિટનની હાઈકોર્ટમાં પડકારવાનો માલ્યાને અધિકાર રહેશે.

બીજી બાજુ, ભારત સરકારે પ્રત્યાર્પણની પરવાનગી નકારતો કોઈ નિર્ણય આવે તો તેના 14 દિવસની અંદર હાઈકોર્ટમાં અપીલ કરવાની રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]