હવે બગદાદીના બહેનની ધરપકડઃ આતંકી સંગઠન સાથે સંબંધ છે

અંકારાઃ ગત દિવસોમાં આઈએસઆઈએસના વડા અબુ બકર અલ બગદાદીના મોત બાદ હવે તૂર્કી સેનાએ તેની મોટી બહેનની ધરપકડ કરી લીધી છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સ અખબારના અહેવાલ પ્રમાણે 65 વર્ષીય બગદાદીની બહેન રશમીયાની સોમવારે ઉત્તરી સીરિયાના અજાજ શહેરથી ધરપકડ કરી લેવાઈ હતી. રશમીયા તેના પતિ, પાંચ બાળકો અને સંબંધીઓ સાથે રહેતી હતી. આ લોકો ત્યાં એક કન્ટેનરમાં છૂપાયાં હતાં.

માનવામાં આવી રહ્યું છે કે બગદાદીની બહેનનો આતંકવાદી સંગઠન સાથે સંબંધ છે. આ દ્રષ્ટિએ રશમીયાની ધરપકડ મોટી સફળતા કહેવાય. બગદાદીની બહેન પાસે મહત્ત્વપૂર્ણ જાણકારી મળવાની ધારણા છે જેનાથી આંતકવાદ વિરુદ્ધની લડત મજબૂત થશે.

ગત દિવસોમાં અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘોષણા કરી હતી કે અમેરિકાના સૈનિકો દ્વારા એક ખાસ ઓપરેશન દરમિયાન સીરિયામાં બગદાદીનું મોત થઈ ગયું હતું. જાણકારી અનુસાર અમેરિકન સેના બગદાદીને જીવતો પકડવા ઇચ્છતી હતી પરંતુ તેણે પોતાને વિસ્ફોટકોથી ઉડાવી દીધો. અમેરિકન નેતાના જણાવ્યાં પ્રમાણે તે પેન્ટાગનની નજરમાં લાંબા સમયથી હતો અને તક મળતાં તેને પૂરો કરી દીધો. બગદાદી સીરીયાના ઇદલિબમાં માર્યો ગયો હતો.

બગદાદીને આંતરરાષ્ટ્રીય માનકો પ્રમાણે સમુદ્રમાં દફનાવી દેવાયો હતો. આતંકી બગદાદી વિરુદ્ધ ચલાવાયેલ ઓપરેશનમાં ઇરાકે મોટી ભૂમિકા નિભાવી હતી. ઇરાકની ગુપ્તચર એજન્સીના ઉચ્ચ અધિકારીએ અમેરિકી સેનાને બગદાદી વિશે મહત્ત્વની જાણકારી આપી હતી.

રશિયાના રક્ષા મંત્રાલયના પ્રવક્તા ઇગોર કોનાશેનકોવે કહ્યું કે રશિયા પાસે બગદાદીના ખાત્મા અંગેની અમેરિકન સૈન્ય ઓપરેશનની વિશેષ જાણકારી નથી. આઈએસઆઈએસ દ્વારા ગુરુવારે ઓનલાઈન પોસ્ટમાં ઓડિયો ટેપમાં બગદાદીના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. જેમાં તેણે અમેરિકાને ધમકી આપતાં કહ્યું છે કે બગદાદીના મોતનો બદલો  લેવામાં આવશે. તેમાં સાથે જ જણાવાયું છે કે અબુ ઇબ્રાહિમ અલહાશિમી અલ કુરૈશીને આઈએસઆઈએસનો નવો વડો બનાવવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]