2019ના પ્રજાસત્તાક દિન ઉજવણી સમારંભમાં હાજર રહેવાનું આમંત્રણ ટ્રમ્પે નકારી કાઢ્યું

વોશિંગ્ટન – આવતા વર્ષે 26 જાન્યુઆરીએ ભારત પોતાનો 70મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે. એ દિવસની પરંપરાગત વાર્ષિક ઉજવણીના સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાનું ભારત તરફથી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ ટ્રમ્પે તે નકારી કાઢ્યું છે એવું અખબારી અહેવાલોનું કહેવું છે.

આ બાબતમાં હજી સુધી ભારતીય વિદેશ મંત્રાલય કે ભારતસ્થિત યુએસ દૂતાવાસે કંઈ કહ્યું નથી. દૂતાવાસના અધિકારીઓને આ વિશે પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું કે પ્રમુખના વિદેશ પ્રવાસો વિશે નિવેદન કરવાનો અધિકાર માત્ર વ્હાઈટ હાઉસને જ છે.

ગયા જુલાઈ મહિનામાં એવી અટકળો વહેતી થઈ હતી કે ભારતના આમંત્રણનો ટ્રમ્પ સ્વીકાર કરશે. એ વખતે વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સારાહ સેન્ડર્સે એ વાતને સમર્થન આપ્યું હતું કે ટ્રમ્પને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ ચોક્કસ મળ્યું છે, પરંતુ આખરી નિર્ણય હજી લેવામાં આવ્યો નથી.

આવતા નવેમ્બરમાં અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી નિર્ધારિત છે અને ત્યારબાદ 21-29 જાન્યુઆરીએ ટ્રમ્પ દ્વારા સ્ટેટ ઓફ યુનિયન સંબોધન પણ યોજાશે, તદુપરાંત ટ્રમ્પના કેટલાક વિદેશ પ્રવાસો પણ નક્કી થયા છે તેથી એમની જાન્યુઆરીમાં ભારત મુલાકાત મુશ્કેલ હોય એવું લાગે છે, એવું અધિકારીઓનું કહેવું હતું.