સ્વાસ્થ્ય વીમા વગર વસાહતીઓને અમેરિકામાં એન્ટ્રી નહીં મળે

વોશિંગ્ટન – અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય લીધો છે. એમણે એક જાહેરનામા પર સહી કરી દીધી છે જે મુજબ, જે ઈમિગ્રન્ટ લોકો અમેરિકામાં પોતાની આરોગ્ય સારવાર માટેનો ખર્ચ ઉપાડી નહીં શકે એમને અમેરિકામાં પ્રવેશવા દેવામાં નહીં આવે. એમના વિઝા સસ્પેન્ડ કરી દેવામાં આવશે.

જાહેરનામામાં જણાવાયું છે કે કાયદેસર ઈમિગ્રન્ટ લોકોએ અમેરિકા માટે એમના ટ્રાવેલ વિઝા મંજૂર થાય એ પહેલાંથી જ એમના આરોગ્યની કાળજી લેવાની રહેશે.

ટ્રમ્પ સરકારનો ઈરાદો સાફ છેઃ તેઓ વસાહતીઓ (બિન-અમેરિકન લોકો)ની સારવારનો ખર્ચ અમેરિકાના કરદાતા નાગરિકોને માથે નાખવા માગતા નથી.

આનો મતલબ એ કે વસાહતીઓએ અમેરિકા જતા પહેલાં જ એમનો હેલ્થ વીમો ઉતરાવી લેવાનો રહેશે અને અમેરિકામાં રોકાણ દરમિયાન સારવાર પાછળ થનાર ખર્ચ એમણે જાતે જ ભોગવવાનો રહેશે.

ટ્રમ્પ સરકારના આ નિર્ણયને કારણે 35 હજાર જેટલા ભારતીય વસાહતીઓને માઠી અસર પડવાની શક્યતા છે.

ઘણા ભાવિ વસાહતી અરજદારોએ એ સાબિત કરવાનું રહેશે તેઓ અમેરિકામાં રોકાણ દરમિયાન એમના આરોગ્યનો વીમો જાતે જ ઉતરાવશે અને સારવાર પાછળનો ખર્ચ પણ ભોગવશે.

વ્હાઈટ હાઉસના આ નવા નિર્ણયથી એવા ઈમિગ્રન્ટ્સ માટે અમેરિકાના દરવાજા બંધ રહેશે જેઓ અમેરિકાની સરકાર ઉપર નાણાકીય બોજ બની શકવાના હશે.

પ્રમુખ ટ્રમ્પે એમની એક્ઝિક્યૂટિવ સત્તાનો ઉપયોગ કરીને જાહેરનામા પર ગયા શુક્રવારે સાંજે સહી કરી હતી. નવો નિર્ણય આવતી ત્રીજી નવેમ્બરથી લાગુ થશે.

ઈમિગ્રન્ટ લોકોએ વિઝા મેળવતી વખતે એ સાબિત કરવાનું રહેશે કે તેઓ અમેરિકામાં પ્રવેશ કર્યાના 30 દિવસની અંદર એમનો હેલ્થ વીમો ઉતરાવી લેશે અથવા એવું જણાવવું પડશે કે તેઓ પોતાની તબીબી કાળજી લેવા માટે સક્ષમ છે.

અત્યાર સુધી એવું હતું કે અમેરિકાની હોસ્પિટલો દરેક જણની સારવાર કરતી, પછી એમાં એવા લોકો પણ સામેલ હોય જેમણે હેલ્થ વીમો ઉતરાવ્યો ન હોય. હેલ્થ વીમો ઉતરાવ્યો ન હોય એવા લોકોની સારવાર પાછળ હોસ્પિટલોને દર વર્ષે લાખો ડોલરનો ખર્ચ થાય છે. વીમા વગરનાં લોકો શરદી અને એલર્જી જેવી મામુલી બીમારીઓની સારવાર માટે પણ હોસ્પિટલોમાં દોડી જતા હોય છે. જે કામ સામાન્ય રીતે કોઈ પ્રાયમરી કેર ફિઝિશનના ક્લિનિકમાં થઈ શકે. આને કારણે હોસ્પિટલોમાં રૂમ્સની અછત રહે છે. ઈમરજન્સી રૂમ્સ પણ ઉપલબ્ધ હોતી નથી. કેન્દ્ર (ફેડરલ) સરકાર હોસ્પિટલોને એ ખર્ચાનો અમુક ભાગ બાદમાં ભરપાઈ કરી દેતી હોય છે, પણ હવે કેન્દ્ર સરકાર એ ખર્ચ પોતાના માથે લેવા માગતી નથી. પોતાના માથે આવતા ખર્ચને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર નાગરિકો પર ટેક્સ નાખે છે. આમ હવે તે ઈચ્છે છે કે હેલ્થ વીમો અને સારવારનો ખર્ચ ભોગવી ન શકતા વસાહતીઓનો ખર્ચ અમેરિકાના નાગરિકો નહીં ભોગવે.

નવા નિયમથી અમેરિકાની સરકારને અબજો ડોલરની રકમની બચત થશે.

એક અંદાજ મુજબ, છેલ્લા 10 વર્ષમાં દર વર્ષે અમેરિકાની હોસ્પિટલોને સ્વાસ્થ્ય વીમો ન ધરાવતા વસાહતીઓની સારવાર પાછળ 35 અબજ ડોલરનો ખર્ચ વધી રહ્યો છે. આવા ખર્ચાઓએ ઘણી હોસ્પિટલોને નાદારીને આરે લાવીને મૂકી દીધી છે.

અમેરિકામાં હાલ 2 કરોડ 21 લાખથી વધારે બિન-અમેરિકી નાગરિકો રહે છે. 2018માં કરવામાં આવેલી અમેરિકાની વસતી ગણતરી મુજબ, અમેરિકાની કુલ વસ્તીના 13.7 ટકા એટલે કે 4 કરોડ 47 લાખ લોકો બીજા દેશમાં જન્મેલા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]