ટ્રમ્પ સરકારે ટ્રાન્સજેન્ડર સૈનિકોને હટાવવાનું જાહેર ફરમાન કર્યું

ડોનાલ્ડ ટ્રમ્પે યુ.એસ.માં સત્તા સંભાળતાની સાથે ઘણા મોટા ફેરફરો કર્યા છે, ત્યારે ફરી એક વખત ડોનાલ્ડ ટ્રમ્પે યુ એસ આર્મી માટે મહત્વનું ફરમાન જાહેર કર્યું છે. ટ્રાન્સજેન્ડર હવે યુએસ આર્મીમાં ભરતી કરી શકશે નહીં. હવે પેન્ટાગોને તાજેતરમાં જ આ મામલે નિવેદન જાહેર કર્યું છે. પેન્ટાગોને કહ્યું છે કે, ‘અમેરિકા 30 દિવસની અંદર સેનામાંથી ટ્રાન્સજેન્ડર સૈનિકોને હટાવવાની પ્રક્રિયા શરૂ કરશે. આ નિર્ણય ટ્રાન્સજેન્ડર સૈનિકોને સૈન્ય સેવામાં જોડાવા અથવા ચાલુ રાખવા પર પ્રતિબંધ મૂકે છે.’

મીડિયા સૂત્રોની જાણકારી પ્રમાણે, ગયા મહિને ટ્રાન્સજેન્ડર સૈનિકોની સેવા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. જે બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું પગલું ભર્યું અને નિર્ણય લીધો કે હવે યુએસ આર્મીમાં ટ્રાન્સજેન્ડર્સની ભરતી કરવામાં આવશે નહીં. ટ્રમ્પના આ નિર્ણય પછી, 26 ફેબ્રુઆરી, બુધવારે પેન્ટાગોને એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘અમેરિકાએ 30 દિવસની અંદર ટ્રાન્સજેન્ડર સૈનિકોની ઓળખ કરવી પડશે. આ પછી તેમને સૈન્ય સેવામાંથી દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.’ આ મામલે પેન્ટાગોનનું કહેવું છે કે, ‘અમેરિકી સરકારની આ નીતિનો હેતુ સૈનિકોમાં એકતા, ઈમાનદારી અને નમ્રતા જાળવી રાખવાનો છે. તેમજ યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના ડેટા અનુસાર, હાલમાં યુએસ આર્મીમાં લગભગ 1.3 મિલિયન સૈનિકો સક્રિય છે. પરંતુ, ટ્રાન્સજેન્ડર અધિકાર સંગઠનોનું કહેવું છે કે યુએસ સેનામાં હાલમાં લગભગ 15,000 ટ્રાન્સજેન્ડર સૈનિકો સક્રિય છે.’