‘ઈમેલ્ડા’નો કહેર: ચારના મોત, ટેક્સાસના કેટલાક ભાગોમાં ઈમરજન્સી લાગૂ

હ્યૂસ્ટન: અમેરિકામાં એક તરફ જ્યાં હાઉડી મોદી મેગા ઈવેન્ટ માટે મંચ તૈયાર છે, તો બીજી તરફ તોફાન ઈમેલ્ડાએ તબાહી મચાવી છે. તોફાનમાં અત્યાર સુધીમાં ટેક્સાસમાં ચાર લોકોના મોત થયાં છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી છે. તોફાનની ભયાનકતાને જોતા ટેક્સાસના કેટલાક વિસ્તારોમાં ઈમરજન્સી લાગૂ કરી દેવામાં આવી છે.

હ્યૂસ્ટન વિસ્તારમાં આપાતકાલ દળના સભ્યોએ તોફાનથી થયેલા નુકસાનનું તારણ કાઢવાનું શરુ કરી દીધું છે. આ તોફાનને કારણે સેકડો લોકોને વિસ્થાપિત કરવાની ફરજ પડી છે. ટેક્સાસમાં આ તોફાનના કારણે ગુરુવારે ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ અનુસાર હજુ પણ તોફાનનો ખતરો ટળ્યો નથી. ટેક્સાસ, અરકંસાસ, ઓક્લાહોમા અને લ્યૂસીઆનામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ બની શકે છે.

ખરાબ વાતાવરણને કારણે હ્યૂસ્ટન એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે, જેનાથી 900 જેટલી ફ્લાઈટોને અસર થઈ છે. હવામાન વિભાગે કહ્યું કે, છેલ્લા 72 કલાકમાં જેફર્સન કાઉન્ટીમાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ચેમ્બર્સ કાઉન્ટીની આસપાસના વિસ્તારોમાં 800 મકાનોને નુકસાન પહોંચ્યું છે, જ્યારે 400 લોકોનો સુરક્ષિત બચાવ થયો છે. ઉત્તર-પૂર્વ હ્યૂસ્ટનમાં 87 મકાનોમાંથી લોકોને બચાવાયા છે.

હ્યૂસ્ટનની સ્કૂલો પણ વરસાદના કારણે બંધ રાખવામાં આવી છે. જોકે મોસમના મારની અસર હાઉડી મોદીના વોલેન્ટિયર્સ પર નથી પડી. તેઓ સતત NRG સ્ટેડિયમમાં કાર્યક્રમની તૈયારીઓ કરી રહ્યા છે. રવિવારે યોજાનારા આ પ્રોગ્રામ પહેલા જ 1500 વોલેન્ટિયર્સ કામે લાગ્યા છે.