પ્રેમ કે મૂર્ખતા? પ્રેમિકાની શોધમાં પાકિસ્તાન પહોંચેલો યુવક છ વર્ષે ભારત આવ્યો

ઈસ્લામાબાદઃ સામાન્ય રીતે લોકો કહે છે કે પ્રેમ આંધળો હોય છે. પરંતુ મુંબઈમાં વર્સોવાના રહેનારા હામિદ નેહાલ અંસારીએ આ સાબિત કરી બતાવ્યું છે. હામિદને એક પશ્તૂન યુવતી સાથે પ્રેમ થયો અને એવું થયું કે તેને 6 વર્ષ પાકિસ્તાની જેલમાં વિતાવવા પડ્યા. ભારતમાં જો પત્રકાર જતિન દેસાઈ અને પોતાના દીકરા માટે સઘળું ન્યોછાવર કરવા તૈયાર બેઠેલા તેના માતાપિતા ન હોત તો હામિદને કોણ જાણે કેટલાય વર્ષો સુધી પાકિસ્તાની જેલમાં રહેવું પડત.

વિઝા વગર પાકિસ્તાનમાં ઘુસનારો હામિદ પેશાવર જેલમાં 6 વર્ષ વિતાવીને ભારત આવી રહ્યો છે. અટારી બોર્ડર પર પત્રકાર દેસાઈ સીવાય તેના માતા-પિતા અને ભાઈ તેની આગેવાનીમાં રહેશે. હામિદની માતા ફૌજિયા એક કોલેજની પ્રધાનાચાર્ય છે. હામિદને બચાવવાની લડાઈ લડવા માટે તેમણે પોતાનું વારસાગત મકાન વેચીને દિલ્હી આવવું પડ્યું જેથી દર સપ્તાહે પાકિસ્તાની ઉચ્ચાયોગ જઈને પોતાના દિકરાને પાછો લાવવા માટે યાચના કરી શકે.

હામિદના પિતા નેહાલને પોતાના દિકરાનો કેસ લડવા માટે પોતાની બેંકની નોકરી પણ છોડવી પડી. વર્સોવામાં ડેન્ટલ ક્લિનિક ચલાવનારા હામિદના ભાઈ ખાલિદે પોતાના પરિવારને વચન આપ્યું કે તે આ લડાઈમાં પરિવાર સાથે ઉભો છે. વર્સોવા મેટ્રો સ્ટેશન પાસે જે કોલોનીમાં હામિદનો પરિવાર રહે છે ત્યાં તેના પાછા આવવાની ખુશીમાં આજે ઈદ જેવો માહોલ છે.

આને લોકો મૂર્ખતા કહે કે પછી આંધળો પ્રેમ, પરંતુ તે સમયે 26 વર્ષનો હામિદ એક પશ્તૂન યુવતીની શોધમાં અફઘાનિસ્તાનથી પાકિસ્તાનના ખૈબર પખ્તુનવાલાના કોહટમાં ઘુસ્યો. પ્રોફેશનલી સોફ્ટવેર એન્જિનિયર હામિદ આ યુવતીને ઓનલાઈન મળ્યો હતો. અનેક કલાકોનું ઓનલાઈન ચેટિંગ પ્રેમમાં પરિવર્તિત થયું અને હામિદે નિર્ણય કર્યો કે કોઈપણ રીતે પાકિસ્તાન જવું જ છે.

હામિદે પોતાના પરિવારને જણાવ્યું કે તેને કાબુલથી નોકરીની એક ઓફર મળી છે. ત્યાર બાદ તે 2012માં નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં અફઘાનિસ્તાન માટે નિકળી ગયો. પોતાની ઓનલાઈન પ્રેમિકાની મદદથી હામિદે કોહટમાં કેટલાક સંપર્કો બનાવ્યા હતા જેમણે તેને એક લોજ સુધી પહોંચાડ્યો. 12 નવેમ્બરના રોજ ભારતીય જાસૂસ હોવાના આરોપમાં હામિદને આ જ લોજથી પકડી લેવામાં આવ્યો હતો. 12 ડિસેમ્બર 2015ના રોજ જ્યારે પાકિસ્તાનની એક મિલિટરી કોર્ટે હામિદને જાસૂસી માટે દોષીત ગણાવ્યો ત્યારે તેના ભારત પાછા આવવાની તમામ સંભાવનાઓ લગભગ પૂર્ણ થઈ ગઈ.

જે યુવતીના ચક્કરમાં હામિદ પાકિસ્તાન પહોંચ્યો હતો તે યુવતીને હામિદ ક્યારેય ન મળી શક્યો. અને સમાચારો એવા સામે આવ્યા કે તે યુવતીના પરિવારે અન્ય જગ્યાએ તેના લગ્ન કરી નાંખ્યા. પત્રકાર દેસાઈએ જણાવ્યું કે પાકિસ્તાન જવાના છ મહિના પહેલા હામિદની મારી સાથે મુલાકાત થઈ હતી. તેમણે જણાવ્યું કે હામિદે તેમની પાસેથી તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે પાકિસ્તાનના વિઝા લેવામાં કોણ તેની મદદ કરી શકે છે. દેસાઈ અનુસાર જ્યારે હામિદે તેમને જણાવ્યું કે હું ખૈબર પખ્તુનવાની એક યુવતી સાથે લગ્ન કરવા માંગુ છું તો હું હસવા લાગ્યો. તેમણે હામિદને આ મૂર્ખતા છોડીને પોતાના કરિયર પર ધ્યાન આપવાની સલાહ આપી.

પરંતુ હામિદ પર તો પ્રેમનું ભૂત સવાર હતું. તેણે પાકિસ્તાનના વિઝા લેવામાં મદદ કરવા માટે ફરીથી બે વાર દેસાઈને મનાવવાનો પ્રયત્ન કર્યો. એક દિવસ સવારે સમાચાર પત્રમાં પત્રકાર દેસાઈને હામિદનો ફોટો દેખાયો તે તેમને સમજ પડી ગઈ કે હામિદ ખોટી રીતે પાકિસ્તાનમાં ઘૂસી ચૂક્યો છે. હવે હામિદને બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર પત્રકાર જતિન દેસાઈ આખી સ્ટોરી સમજી ગયા. ત્રણ દશક કરતા વધારે સમય સુધીનો પત્રકારત્વનો અનુભવ ધરાવનારા દેસાઈ ઘણીવાર પાકિસ્તાન જઈ ચૂક્યા છે.

દેસાઈએ મુંબઈ અને કારાચીના પ્રેસ ક્લબ વચ્ચે મજબૂત સંબંધ બનાવ્યા છે. આ સીવાય તેઓ પાકિસ્તાન ઈન્ડિયા પીપલ્સ ફોરમ ફોર પીસ એન્ડ ડેમોક્રેસીના મહાસચિવ પણ છે. દેસાઈ પાકિસ્તાની જેલોમાં બંધ ભારતીય માછીમારોની મુક્તિ માટે લાંબા સમયથી કામે લાગ્યા છે. જ્યારે તેમને એ વાતનો એહેસાસ થયો કે હવે હામિદને પાછો લાવવો મુશ્કેલ બની શકે છે તો તેમણે તેમના પરિવારનો સંપર્ક કર્યો.

એકતરફ દેસાઈએ પોતાના પાકિસ્તાની સંપર્કોને એક્ટિવ કર્યા તો બીજી બાજુ હામિદની માતાએ નક્કી કર્યું કે કોઈપણ કીંમતે દિકરાને પાછો લાવવો છે. આ ચક્કરમાં તેમણે કેટલાક લાખ રુપિયા તે લોકોને પણ આપીને ગુમાવ્યા કે જેમણે નેતાઓ સાથે મુલાકાત કરાવવાનો વાયદો કર્યો પરંતુ પૈસા લીધા બાદ દેખાયા જ નહી. આ વચ્ચે હામિદની માતાને સુષમા સ્વરાજથી જરુર મદદ મળી જેમણે પાકિસ્તાની ડિપ્લોમેટ્સ સામે આ કેસને ઉઠાવ્યો.

દેસાઈ અને પરિવારના પ્રયત્નો રંગ લાવ્યા અને હામિદનો કેસ પાકિસ્તાની વકીલો રકશંદા નાઝ અને કાજી મહોમ્મદ અનવરે પોતાના હાથોમાં લીધો. પાકિસ્તાનના એક અગ્રણી સમાચાર પત્ર ધ ફ્રાઈડે ટાઈમ્સમાં હામિદ માટે પત્રકાર શિવમ વિજે એક લેખ લખ્યો. પાકિસ્તાની વકીલ રકશંદાએ હામિદને પોતાના દિકરા જેવો માની લીધો, ત્યાં જ કાજી મહોમ્મદ અનવર સતત આ કેસમાં જોડાયેલા રહ્યા. આખરે તે લોકો કોર્ટને એ વાત સમજાવવામાં સફળ થયા કે હામિદ ગેરકાયદેસર રીતે પાકિસ્તાનમાં જરુર આવ્યો હતો પરંતુ તે જાસૂસ નથી.

કોર્ટને પણ હામિદના ભારતીય જાસૂસ હોવાના કોઈ સબૂત ન મળ્યા. ત્યારે તેને ખોટી રીતે પાકિસ્તાનમાં ઘુસવા માટે ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી. હવે જ્યારે તેની સજા પૂરી થઈ રહી છે ત્યારે હામિદ પાછો ભારત આવી રહ્યો છે. હામિદની માતાએ જણાવ્યું કે મને રાત્રે સુતી વખતે અક્સર એવું લાગતું હતું કે હામિદ પાછો આવી ગયો છે અને અડધી રાત્રે મારી આંખ ખુલી જતી હતી. હામિદની માતા રોતા રોતા કહેતી હતી કે બસ એક વાર મારે મસ્તક પર ચુંબન કરવું છે. તો દેસાઈ કહેતા હતા કે હામિદનો કેસ પાકિસ્તાન અથવા ભારતની જેલમાં બંધ નિર્દોષીઓ માટે ટર્નિંગ પોઈન્ટ બની શકે છે.

દેસાઈ કહે છે કે પાકિસ્તાનનો એક નાગરિક ઈમરાન વારસી ભારતમાં ફસાયેલો છે. તેણે ભોપાલ જેલમાં ઘણા વર્ષો વિતાવ્યા છે. આ વર્ષે તેને મુક્ત કરવામાં આવ્યો પરંતુ પાકિસ્તાની નાગરિક હોવાના કારણે તેને પાછો ન મોકલવામાં આવ્યો અને તે હવે ભોપાલના શાહજહાંબાદ પોલિસ સ્ટેશનમાં રહે છે અને તેને એ પણ ખબર નથી કે તે પાકિસ્તાન પાછો ક્યારે જઈ શકશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]