દિવસોથી આગમાં ખાખ થઈ રહ્યાં છે ‘પૃથ્વીના ફેફસાં’ એવા એમેઝોન જંગલ, NGOએ લગાડી?

એમેઝોન- સમગ્ર વિશ્વને 20 ટકા ઓક્સિઝન પૂરુ પાડતું એમેઝોન જંગલ છેલ્લાં 2 સપ્તાહથી વધુ દિવસોથી આગમાં બળી રહ્યું છે. પૃથ્વી પરનું સૌથી મોટુ જંગલ એમેઝોન જેને પૃથ્વીના ફેફસાં તરીકે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણ અમેરિકાના બ્રાઝિલમાં આવેલા આ વિશ્વના સૌથી મોટા જંગલમાં અત્યાર સુધીની સૌથી વિકરાળ આગ છે. આ વર્ષે અહીં આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે. દિવસોથી સળગી રહેલાં જંગલ પ્રત્યે ઉપેક્ષા કરવાનો આરોપ મીડિયા પર પણ લાગી રહ્યો છે. ત્યારે બ્રાઝિલના પ્રમુખે આપેલ અતિવિવાદાસ્પદ નિવેદને આ મામલાને વધુ ગંભીર વિષ હોવાનું સામે આવી રહ્યું છે.

એમેઝોનમાં લાગેલી આગને કારણે એમેઝોન, રોડાંનિયા અને સાઓ પાઓલોમાં અંધારપટ્ટ છવાઈ ગયો છે. આ આગથી બ્રાઝિલનો 2700 કિમી વિસ્તાર પ્રભાવિત થયો છે. જોકે આ આગ માત્ર બ્રાઝિલ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે.

વિશ્વભરમાંથી  સોશિયલ મીડિયા પર લોકો એમેઝોનની આગના ફોટો અને વિડિયો શેર કરી રહ્યાં છે. #PrayforAmazonas #AmazonRainforest ટ્રેન્ડ થયું હતું અને યુઝર્સે મીડિયાની આટલી વિકરાળ આગનું જરા પણ કવરેજ ન આપવા બદલ ટીકા કરી હતી. તેમણે વિશ્વના ધનાઢ્યોને પણ આ કપરી પરિસ્થિતિનો સામનો કરવા દાન કરવા જણાવ્યુ હતું. સાથે જ સરકારને પણ આગા પર કાબુ મેળવવા અપીલ કરી છે અને જીવ જંતુઓ માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. મહત્વનું છે કે, ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ જંગલમાં આગ લાગી હતી પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયાએ આ સમાચારને કોઈ મહત્વ આપ્યું ન હતું. અત્યાર સુધીમાં લગભગ અઢી લાખ કરતા પણ વધુ ટ્વીટ કરવામાં આવ્યાં છે.

આ મહિનાની શરૂઆતમાં બ્રાઝિલે જંગલ વિસ્તારમાં આગની વધતી જતી ઘટનાઓના પગલે એલર્ટ જાહેર કર્યું હતું. બ્રાઝિલના સ્પેસ રિસર્ચ સેન્ટર INPEએ પરથી મળતી તસવીરો અનુસાર ગત વર્ષે જ એમેઝોનના જંગલોમાં આગ લાગવાની ઘટનાઓમાં 83 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેથી અહીં પ્રદૂષણનું સ્તર ખતરનાક સ્તર પર પહોંચી ગયું છે. અત્યાર સુધીમાં 73,000 આગની ઘટનાઓ ડિટેક્ટ કરી છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર 2013 પછીની આ સૌથી વિકરાળ આગ છે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર બોલ્સોનારોએ એમેઝોનના જંગલોની કાપણીના આંકડા વચ્ચે આની સાથે જોડાયેલી એજન્સીના પ્રમુખને કાઢી નાંખ્યા છે.સંરક્ષણવાદીઓએ આ ઘટના માટે બોલ્સોનારોને જ દોષી ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે, રાષ્ટ્રપતિ બોલ્સોનારો લોકો અને ખેડૂતોને જમીન ખાલી કરવા માટે ભડકાવી રહ્યાં છે.તેમણે કહ્યું કે આવી આગ એનજીઓએ લગાવી હોઇ શકે છે.

જંગલમાં આગને કારણે અનેક જીવ-જંતુઓના મોત થઈ રહ્યા છે. ઘણા લોકોએ મૃત્યુ પામનાર જાનવરોની તસવીરો પણ ટ્વીટ કરી છે. અનેક ઈજાગ્રસ્ત જાનવરોની તસવીરો પણ સામે આવી છે.

આ આગ એટલી મોટી છે કે તેનો ધૂમાડો તમે અવકાશમાંથી જોઈ શકો છો. એમેઝોનાસ, લોન્ડોનિયા સ્ટેટ અને બીજા વિસ્તારમાં સર્વત્ર ધૂમાડો છવાઈ ગયો છો. જંગલથી 1700 માઈલ દૂર સાન પૌલૌમાં આકાશમાં ધૂમાડો છવાઈ ગયો હતો.

એમેઝોન જંગલનો વિસ્તાર આમ તો ભેજવાળો છે પરંતુ જુલાઈ અને ઓગસ્ટની શરૂઆતમાં અહીં સૂકી ઋતુનો પ્રારંભ થાય છે. નાસાના જણાવ્યા મુજબ ત્યાર પછી આગ લાગવાની ઘટના વધે છે. સપ્ટેમ્બરમાં આ સિલસિલો ચાલુ થાય છે અને નવેમ્બર અંતમાં અટકે છે.

શા માટે મહત્વના એમેઝોનના જંગલો

એમેઝોનના જંગલ 55 લાખ વર્ગ કિમી ક્ષેત્રફળમાં ફેલાયેલ છે. આ જંગલ આખી દુનિયાનો 20 ટકા જેટલો ઓક્સિજન ઉત્પાદિત કરે છે અને તેને પૃથ્વીના ફેફસા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પૃથ્વી પર હવામાનને કંટ્રોલ કરવામાં ઘણી મહત્વની ભૂમિકા ભજવે છે. જો આ જંગલ ગાયબ થયુ તો પૃથ્વીમાં અણધાર્યા મોટા પરિવર્તન આવશે. તેની અસર ખેતીથી માંડીને આપણે જે પાણી પીએ છીએ તેના પર પણ પડશે.

એમેઝોનના જંગલોમાં 16 હજારથી વધુ વૃક્ષો અને છોડની પ્રજાતિઓ છે. અંદાજે 39 હજાર કરોડ વૃક્ષો છે. એમેઝોનના જંગલોમાં અહીં 25 લાખથી વધુ કીડાઓની જૂદી જૂદી પ્રજાતિઓ જોવા મળે છે. આ જંગલોમાં 500થી વધુ સ્વદેશી આદિવાસી જાતિઓ વસવાટ કરે છે. જેમાંથી અંદાજે 50 ટકા આદિવાસી પ્રજાતિઓએ તો અત્યાર સુધીમાં બહારની દૂનિયા સાથે કોઈ સંપર્ક પણ નથી કર્યો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]