થાઈલૅન્ડ ફરવા આવનારા પ્રવાસીઓમાં ભારત પાંચમા ક્રમાંકે

કેતન મિસ્ત્રી (પત્તાયા, થાઈલૅન્ડ)

થાઈલૅન્ડની રમણીય નગરી પત્તાયાના દરિયાકાંઠે આવેલી ‘ઓશન મરીના યૉટ ક્લબ’માં આજથી ત્રિદિવસીય ‘થાઈલૅન્ડ ટ્રાવેલ માર્ટ પ્લસ’નો આરંભ થયો. ધોધમાર વરસતા વરસાદ વચાળે ‘ટૂરીઝમ ઑથોરિટી ઑફ થાઈલૅન્ડ’ દ્વારા આયોજિત આ વાર્ષિક કૉન્ફરન્સમાં દુનિયાભરમાંથી પધારેલા ટ્રાવેલ એજન્ટ્સ તથા પત્રકારોને સંબોધતાં ‘થાઈલૅન્ડ ટૂરીઝમ’ના ડેપ્યુટી ગવર્નર તાન્સ પેટ્સુવાને જણાવ્યું કે “2018માં ત્રણ કરોડ એંસી લાખ પ્રવાસી થાઈલૅન્ડ ફરવા આવ્યા. ટૉપ ફાઈવ દેશમાં પહેલા નંબરે ચીના રહ્યાઃ 1,0535,995, જ્યારે પાંચમા ક્રમાંકે છે ઈન્ડિયન ટૂરિસ્ટ્સ. બીજા શબ્દોમાં, 2018માં 15,96772 ભારતીય પ્રવાસી થાઈલૅન્ડ ફરવા આવ્યા.”

2019માં આથીયે વધુ પ્રવાસીને આકર્ષવાની નેમ સાથે ‘થાઈલૅન્ડ ટૂરીઝમે’ ‘ઓપન ટુ ન્યૂ શેડ્સ’ એવો થિમ રજૂ કર્યો. સાદા શબ્દોમાં, થાઈલૅન્ડનાં પચાસથી વધુ નવાં પર્યટનસ્થળ વિશે આ ટ્રાવેલ માર્ટમાં પત્રકારો તથા ટ્રાવેલ એજન્ટોને જાણકારી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના સપરમા દહાડે શરૂ થયેલા ટ્રાવેલ માર્ટમાં ડેપ્યુટી ગવર્નરે સસ્ટેઈનેબલ ટૂરીઝમ વિશે સુચિંતા વ્યક્ત કરી. એમણે કહ્યું કે “અમે દુનિયાભરના પ્રવાસીઓને આવકારીએ છીએ, પણ સાથે સાથે અમને દેશના પર્યાવરણની પણ ચિંતા છે એટલે આ વિશે અમે પ્લાસ્ટિકના વપરાશ પર અંકુશથી લઈને જાતજાતનાં પગલાં લીધાં છે.”

વધુ માહિતી માટે ક્લિકઃ Thailand Tourism