સીરિયામાં સાત વર્ષ બાદ પ્રથમ વખત યોજાઈ સ્થાનિક ચૂંટણી

સીરિયા- સીરિયામાં સરકાર દ્વારા નિયંત્રણ વાળા વિસ્તારોમાં ગતરોજ યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સીરિયામાં રાષ્ટ્રપતિ બશર અલ અસદ સામે વર્ષ 2011માં બળવો થયા બાદ પ્રથમ વખત અહીં સ્થાનિક ચૂંટણીઓ યોજવામાં આવી છે.આપને જણાવી દઈએ કે, ગત સાત વર્ષ દરમિયાન સીરિયામાં થયેલા ઘર્ષણમાં આશરે 3.6 લાખ લોકોએ તેમનું જીવન ગુમાવ્યું છે અને લાખો લોકોને ત્યાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી છે. અને સીરિયાની અર્થવ્યવસ્થા પણ કથળી ગઈ છે.

હવે સીરિયાના સૈનિકોએ દેશના લગભગ બે તૃતીયાંશ ભાગ પર ફરીવાર નિયંત્રણ મેળવી લીધું છે. સીરિયાની સરકારી સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર સરકારી અંકુશવાળા વિસ્તારોમાં સવારે સાત કલાકે મતદાન મથક ખોલવામાં આવ્યા હતા. જે 12 કલાક સુધી ખુલ્લા રાખવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ મતદાન માટે મોટી સંખ્યામાં લોકોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને તેમાં 5 કલાક વધારવમાં આવી શકે છે.

સીરિયાની સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ ચૂંટણીમાં સ્થાનિક પ્રશાસનિક પરિષદની 18 હજાર 478 બેઠક ઉપર 40 હજારથી વધુ ઉમેદવાર ચૂંટણીમાં તેમનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. જોકે, રાષ્ટ્રપતિની ચૂંટણી અથવા સંસદીય ચૂંટણીની સરખામણીમાં આ વખતે મતદાન મથક સુધી ઓછા લોકો જોવા મળ્યા હતા.