સર્જિકલ સ્ટ્રાઈકથી નષ્ટ થયેલા લોન્ચપેડ ફરી સક્રિય, 250 આતંકી ભારતમાં ઘુસવા તૈયાર

ઈસ્લામાબાદ- એવું લાગે છે કે, સર્જિકલ સ્ટ્રાઈક બાદ પણ પાકિસ્તાને કોઈ સબક શિખ્યો નથી. એક તરફ પાકિસ્તાનના નવા પીએમ ઈમરાન ખાન ભારત સાથે શાંતિની વાતો કરી રહ્યા છે. બીજી તરફ PoKમાં લાઈન ઓફ કંટ્રોલ પાસે આતંકીઓના એ લોન્ચપેડ ફરી સક્રિય થયા છે, જેને ભારતના બહાદુર જવાનોએ સર્જિકલ સ્ટ્રાઈકથી નષ્ટ કર્યા હતા.મળતી માહિતી મુજબ નિયંત્રણ રેખા નજીક પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં આતંકીઓના 27 જેટલા લોન્ચપેડમાં લગભગ 250 આતંકી ભારતમાં ઘુસવા માટે તૈયારી કરી રહ્યા છે. જેમાંથી લીપા ઘાટીના આઠ લોન્ચપેડ એ છે જેને ભારતીય સેનાએ સપ્ટેમ્બર 2016માં સર્જિકલ સ્ટ્રાઈક કરીને નષ્ટ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2016માં ભારતીય સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના કમાંડર બુરહાન વાણીને ઠાર કરાયા બાદ કશ્મીરમાં હિંસાના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઈમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા બાદ લાઈન ઓફ કન્ટ્રોલ પર આતંકીઓના આઠ નવા કેમ્પ શરુ થયા છે. હવે PoKમાં આતંકીઓના 27 લોન્ચપેડ સક્રિય છે. જેમાં લશ્કર-એ-તૈયબાના કેમ્પ લીપા ઘાટીમાં, ચાકોઠી, બરાકોટ, શરડી અને જુરા વિસ્તારમાં તેમજ આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના કેમ્પ કાહુટા વિસ્તારમાં આવેલા છે. જેમાં રહેલા આશરે 250 આતંકીઓ ભારતમાં ઘુસવા તૈયારી કરી રહ્યાં છે.