ઈરાન-ઈરાકની સરહદ પર 7.3ની તીવ્રતાનો ભૂકંપઃ 300થી વધુના મોત, હજારો ઈજાગ્રસ્ત

તેહરાન – ઈરાક અને ઈરાનની સરહદ પરના પહાડી વિસ્તારમાં ગઈ કાલે મોડી રાતે ત્રાટકેલા ભયાનક ભૂકંપે 300થી  વધુ લોકોનો ભોગ લીધો છે અને હજારો લોકો ઘાયલ થયાના સમાચાર છે. જેથી મૃત્યુઆંક હજી પણ વધી શકે છે. ભૂકંપને કારણે અનેક સ્થળે ભેખડો ધસી પડી છે. એને કારણે બચાવ કામગીરીમાં અડચણ ઊભી થઈ છે. ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયો ફૂટેજમાં જોઈ શકાય છે કે ઉત્તર ઈરાકના સુલેમાનીયામાં ધરતીકંપનો આંચકો આવ્યા બાદ એક મકાનમાંથી લોકો ગભરાટના માર્યા ભાગી રહ્યા છે. મકાનની બારીઓ હલતી જોઈ શકાય છે. પડોશના દરબંદીખાન નગરમાં ભૂકંપ આવ્યા બાદ અનેક દીવાલો તથા કોંક્રીટના બાંધકામો જમીનદોસ્ત થયા હતા.

ઈરાનની સત્તાવાર સમાચાર સંસ્થા IRNAએ પ્રાથમિક રીતે જણાવ્યું છે હાલને તબક્કે એટલું કહી શકાય કે પશ્ચિમ ભાગમાં આવેલા ભૂકંપમાં ૬૧ જણનો ભોગ લીધો છે અને ૩૦૦ જણને ઘાયલ કર્યા છે. મરણાંક વધી શકે છે.

ઈરાનના કરમાન્શાહ પ્રાંતના નાયબ ગવર્નરે કહ્યું કે અમે ભૂકંપગ્રસ્તોને માટે અમે ત્રણ ઈમરજન્સી રાહત છાવણીઓ તૈયાર કરી રહ્યા છે.

સરહદની ઈરાક બાજુએ ભૂકંપથી ૬ જણ માર્યા ગયા હોવાનો અહેવાલ છે.

ભૂકંપ ગઈ કાલે રાતે લગભગ ૯.૨૦ વાગ્યે આવ્યો હતો. ઈરાકના કુર્દીસ્તાનમાં હલાબા પ્રાંતથી ૩૦ કિ.મી. દૂરના સ્થળે ભૂકંપથી વધુ નુકસાન થયું છે.