ભારતનો રાજદ્વારી વિજયઃ UNSC બેઠકમાં ભારતને ઠપકો અપાવવાના પાકિસ્તાન, ચીનના પ્રયાસો નિષ્ફળ

સંયુક્ત રાષ્ટ્રો – સંયુક્ત રાષ્ટ્રો (UN) સંસ્થાની સુરક્ષા પરિષદની ગઈ કાલે અહીં મળેલી બેઠકમાં યુએન સ્થિત ભારતીય રાજદૂત અને કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને જણાવ્યું હતું કે જમ્મુ અને કશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને સ્પર્શતા તમામ મુદ્દાઓ ભારતની આંતરિક બાબતો છે.

અકબરુદ્દીને કહ્યું કે અમારું રાષ્ટ્રીય વલણ યથાવત્ છે કે ભારતીય બંધારણની કલમ 370 સંબંધિત તમામ બાબતો ભારતની આંતરિક બાબતો છે.

ભારતે કશ્મીર અંગેની કલમ 370 દૂર કરી દીધા બાદ પાકિસ્તાને યુએન સંસ્થાને પત્ર લખ્યો હતો અને આ મુદ્દે UNSCમાં ખાસ ચર્ચા કરવાની માગણી કરી હતી. ચીને પાકિસ્તાનની માગણીને ટેકો આપ્યો હતો. એને પગલે ગઈ કાલે UNSCમાં કશ્મીર અંગે બેઠક યોજવામાં આવી હતી, પણ તે જાહેરમાં નહીં, પરંતુ બંધબારણે યોજવામાં આવી હતી, વળી, એમાં પાકિસ્તાનને કંઈ પણ બોલવાનો હક અપાયો નહોતો.

પાકિસ્તાન અને ચીનનો ઈરાદો ભારતને કશ્મીર મુદ્દે UNSC બેઠકમાં ઠપકો અપાવવાનો હતો, પણ UNSC બેઠકમાં ભારતને એવો કોઈ ઠપકો આપવામાં ન આવતાં તે બંને દેશનાં પ્રયાસો નિષ્ફળ ગયા છે.

બેઠક બાદ, પત્રકારોને સંબોધિત કરતાં સૈયદ અકબરુદ્દીને કહ્યું હતું કે જો પાકિસ્તાને ભારત સાથે શાંતિ મંત્રણા ફરી શરૂ કરવી હોય તો એણે ત્રાસવાદને ફેલાવવાનું બંધ કરવું પડશે. આમ કહેતી વખતે જોકે અકબરુદ્દીને પાકિસ્તાનનું નામ લીધું નહોતું. એમણે કહ્યું હતું કે, અમુક લોકો એવા છે જેઓ કશ્મીરમાં પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે એવી બિનજરૂરી બૂમરાણ મચાવી રહ્યા છે, જ્યારે વાસ્તવિક્તા એવી જરાય નથી. મંત્રણા શરૂ કરવી હોય તો પહેલાં ત્રાસવાદ ફેલાવવાનું બંધ કરો.

ખાસ ચિંતા તો એ વાતની છે કે ભારતમાં હિંસા ફેલાવવા અને ભારતના નેતાઓને ટાર્ગેટ બનાવવા માટે એક દેશ જિહાદની વાતો કરે છે, એમ અકબરુદ્દીને કહ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]