છાત્રોના ઉગ્ર વિરોધના પગલે, ઘાના યુનિવર્સિટીમાંથી હટાવાઈ ગાંધીજીની મૂર્તિ

અક્રાઃ ભારતની આઝાદીમાં મોટી ભૂમિકા નિભાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર જાતિવાદનો આરોપ લાગ્યો છે. આ આરોપને લઈને તેમની મૂર્તિ હટાવી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓની બબાલ બાદ મહાત્મા ગાંધીની મૂર્તિ હટાવી દેવામાં આવી છે. મામલો ઘાના યૂનિવર્સિટીનો છે. અહીંયા ચાલી રહેલા ગાંધી મસ્ટ ફાલ આંદોલન અંતર્ગત ગાંધીજીની પ્રતિમા હટાવવામાં આવી છે. 2016થી આ આંદોલન અહીંયાના પ્રોફેસરો અને બુદ્ધિજીવિઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. જેને વિદ્યાર્થીઓનું ભારે સમર્થન મળ્યું છે.

અક્રામાં સ્થિત ઘાના યુનિવર્સિટીમાં સ્થાપિત કરવામાં આવેલી મહાત્મા ગાંધીજીની મૂર્તિનું અનાવરણ બે વર્ષ પહેલા તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કર્યું હતું. પરંતુ મૂર્તિ સ્થાપિત થયા બાદથી જ આના પર વિવાદ ચાલી રહ્યો છે. મૂર્તિ હટાવવા માટે વિશ્વવિદ્યાલયના એક પ્રોફેસરે અરજી કરી હતી.

ગાંધીજી પર લગાવવામાં આવેલા આ આરોપનો આધાર તેમના દ્વારા જ લખવામાં આવેલા એક પુસ્તકને બનાવવામાં આવ્યો છે. પોતાના જ લખેલા પુસ્તકમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ લખ્યું હતું કે ભારતીય અશ્વેત આફ્રીકિઓની તુલનામાં વધારે સારા છે.

ઘાના યુનિવર્સિટીમાં સ્થાપિત મહાત્મા ગાંધીની મૂર્તિને હટાવવામાં આવી છે. આ જાણકારી આંદોલન કરી રહેલા છાત્રોએ આપી છે. ઈન્સ્ટીટ્યુટ ઓફ આફ્રીકન સ્ટડીઝમાં ભાષા અને સાહિત્ય ડિપાર્ટમેન્ટના એચઓડી ઓબડીલ કાંબોને જણાવ્યું કે મહાત્મા ગાંધીની મૂર્તિ હટાવવી તે આત્મ સન્માનનો મુદ્દો હતો. જો કે મૂર્તિ હટાવવા પર યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશન દ્વારા કોઈ પ્રતિક્રિયા નથી આવી. તો બીજી તરફ ઘાનાના વિદેશ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે મૂર્તિ હટાવવાનો નિર્ણય વિશ્વવિદ્યાલય દ્વારા લેવાયો છે. જે તેમનો અંગત નિર્ણય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]