શ્રીલંકાના પ્રધાનના સપોર્ટમાં આવ્યા 8 મુસ્લિમ ઓફિસર, છોડ્યું પોતાનું પદ…

નવી દિલ્હીઃ શ્રીલંકામાં ઈસ્લામિક ચરમપંથીઓનું સમર્થન કરવાના આરોપનો સામનો કરી રહેલા ઉદ્યોગ પ્રધાન પ્રત્યે 8 મુસ્લિમ ઓફિસરોએ એકજુટતા દર્શાવી છે. આ પ્રધાનના સમર્થનમાં ઓફિસરોએ પોતાનું રાજીનામું આપ્યું છે.

હકીકતમાં 21 એપ્રિલના રોજ શ્રીલંકામાં અત્યાર સુધીનો સૌથી વિધ્વંસક આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 290થી વધારે લોકોના મોત થયા હતા. રવિવારના રોજ ઈસ્ટરના તહેવાર પર ચર્ચ અને હોટલો સહિત કુલ 8 સીરિયલ બ્લાસ્ટ થયા હતા. હુમલામાં 450 થી વધારે લોકો ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે લીધી હતી.

શક્તિશાળી બૌદ્ધ ભિક્ષુકોએ ઉદ્યોગ પ્રધાન રિશાદ બાથુઈદીન અને બે મુસ્લિમ રાજ્યપાલોના રાજીનામાની માંગ કરતા મુસ્લિમ રાજનેતાઓ પર દબાણ બનાવી રહ્યા છે. શ્રીલંકાના શક્તિશાળી માનવામાં આવતા બૌદ્ધિસ્ટ સંગઠન બોડૂ બાલા સેનાના પ્રમુખ ગાલાગોડા એથેથ જ્ઞાનસારાએ ગઈકાલે કૈંડી શહેરમાં દુકાનો બંધ કરાવી દીધી. સાથે જ વાહનોને પણ રોકવાનો પ્રયાસ કર્યો.

અત્યારે ત્રણ મુસ્લિમ પ્રધાન અને તેમના પાંચ જૂનિયર પ્રધાનોએ પોતાના વિભાગોમાંથી રાજીનામા આપ્યા હતા. જો કે તેમણે પોતાની પાર્ટીમાંથી રાજીનામું નહી આપ્યું અને એટલા માટે અત્યારે વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેની ગઠબંધન સરકારને કોઈ ખતરો નથી.

ઉલ્લેખનીય છે કે શ્રીલંકા 21 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલાની આગમાં હજી સુધી બળી રહ્યું છે. હુમલાના કારણે ત્યાં સામાજિક અવિશ્વાસનો ભાવ પેદા થયો છે. આ સમાચારથી સ્પષ્ટ છે કે ત્યાં મુસ્લિમ ગવર્નર બૌદ્ધ ભિક્ષુકોના દબાણ બાદ રાજીનામા આપી રહ્યા છે. કૈંડી શહેરમાં બૌદ્ધ ભિક્ષુ અથુરાલિએ રથાના થેરા મુસ્લિમ રાજ્યપાલોના રાજીનામાની માંગને લઈને આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા છે. તેમની 4 દિવસની ભૂખ હડતાલ બાદ ત્યાંના બે મુસ્લિમ રાજ્યપાલોએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.