સોમાલિયામાં આતંકી તાંડવઃ મૃતકોની સંખ્યા 250થી વધુ

મોગાદિશૂ- સોમાલિયાની રાજધાની મોગાદિશૂમાં ગતરોજ થયેલા બે શક્તિશાળી વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લે મળેલા અહેવાલ મુજબ 276 લોકોના મોત થયા છે અને 300થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં અનેકની હાલત ગંભીર હોવાથી મૃતકોની સંખ્યા વધી શકે છે.

મોગાદિશૂના કેફાઇવ જંક્શન વિસ્તારમાં પહેલો આતંકી હુમલો થયો હતો. રાજધાનીના આ વિસ્તારમાં સરકારી કચેરીઓ, હોટેલો અને રેસ્ટોરાં આવેલાં છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે સોમાલિયાના વિદેશમંત્રાલય પાસે આવેલી હોટેલ સંપૂર્ણ ધરાશાયી થઇ હતી. ઉપરાંત આસપાસની અનેક ઇમારતોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. અનેક વાહનોમાં આગ લાગી હતી. આ વિસ્ફોટના બે કલાક બાદ મોગાદિશૂના મદિના વિસ્તારમાં કારબોંબ વિસ્ફોટ થયો હતો જેમાં બે નાગરિકનાં મોત થયાં હતાં.

વિસ્ફોટની જાણ થયા બાદ સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત કાર્ય શરુ કર્યું હતું. ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળમાં અનેક લોકો દટાયાં હતાં. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, ઘાયલો ઓળખી ન શકાય તેટલી હદે દાઝી ગયાં છે. આ અત્યંત ભયાનક ઘટના છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]