સિંગાપોર એરલાઈન્સની મુંબઈ-સિંગાપોર ફ્લાઈટને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી મળી

સિંગાપોર – 263 પ્રવાસીઓ સાથે મુંબઈથી સિંગાપોર આવતી સિંગાપોર એરલાઈન્સની ફ્લાઈટને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી મળ્યા બાદ પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી, પરંતુ  વિમાને આજે સવારે અહીંના ચાંગી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સલામત રીતે ઉતરાણ કર્યા બાદ સૌએ રાહતનો શ્વાસ લીધો હતો, એવું એરલાઈને કહ્યું હતું.

મુંબઈથી સિંગાપોર જવા માટે ઉપડોલી ફ્લાઈટ SQ423ને બોમ્બ હુમલાની ધમકી મળી હતી, એને સિંગાપોર એરલાઈન્સે સમર્થન આપ્યું છે. વિમાને સ્થાનિક સમય મુજબ આજે સવારે લગભગ 8 વાગ્યે સિંગાપોર એરપોર્ટ પર આગમન કર્યું હતું.

વિમાનને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી મળી હોવા અંગે પાઈલટે જાણ કરી હતી.

એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું છે કે વિમાનમાં 263 પ્રવાસીઓ હતા.

સિંગાપોરમાં વિમાન આવી પહોંચ્યા બાદ એક મહિલા અને એનાં બાળકને બાદ કરતાં તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યાં હતાં. એ મહિલા અને એનાં બાળકને પોલીસે પૂછપરછ માટે રોકી રાખ્યાં હતાં.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિમાને સોમવારે રાતે લગભગ 11.35 વાગ્યે મુંબઈના ટેક-ઓફ્ફ કર્યા બાદ એમાં બોમ્બ મૂકાયાનો એરલાઈનને ફોન કોલ આવ્યો હતો. ફોન કરનારે એવો દાવો કર્યો હતો કે વિમાનમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે.

બોઈંગ 777-300ER વિમાન સોમવારે રાતે 11.36 વાગ્યે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ઉપડ્યું હતું. તે સિંગાપોર એરપોર્ટ ખાતે એના નિર્ધારિત સમય કરતાં 31 મિનિટ મોડું પહોંચ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]