અમેરિકામાં પાઘડીનો કાનૂની જંગ જીતનારા ગુરિંદર પર બની ફિલ્મ “સિંહ”

વોશિંગ્ટનઃ અમેરિકામાં 18 વર્ષીય એક યુવતીએ પાઘડીનો કાનૂની જંગ જીતનારા ગુરિંદર સિંહના જીવન પર એક લઘુ ફિલ્મ “સિંહ” બનાવી છે. ગુરિંદરના અભિયાનના કારણે અમેરિકાને શીખ સમુદાય માટે પોતાની પાઘડી નીતિમાં બદલાવ કરવો પડ્યો.

ઈન્ડિયાનાની છાત્રા અને અભિનેત્રી જેના રુઈઝ દ્વારા નિર્દેશિત ફિલ્મ 2007ની એક સત્ય ઘટના પર આધારિત છે જ્યારે શિખ ઉદ્યમી ગુરિંદર સિંહ ખાલસાને ન્યૂયોર્કના બફેલોમાં વિમાન પર સવાર થવાથી રોકી દેવામાં આવ્યા હતા. એરપોર્ટ પર તમામ સુરક્ષા વ્યવસ્થાથી સફળતાપૂર્વક ગુજર્યા બાદ તેમણે પાઘડી ઉતારવાથી મનાઈ ફરમાવી દીધી હતી એટલા માટે તેમને રોકી દેવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ ઈન્ડિયાના પોલિસમાં રહેનારા ખાલસાએ અમેરિકી કોંગ્રેસનું ધ્યાન આ મુદ્દા પર કેન્દ્રીત કરાવ્યું. ત્યારબાદ દેશભરના એરપોર્ટમાં પાઘડીને લઈને નીતિમાં બદલાવ કરવામાં આવ્યો. ખાલસાને તેમના અભિયાન માટે તાજેતરમાં વિશિષ્ટ રોસા પાર્ક્સ ટ્રેલબ્લેઝર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઈન્ડિયાના યૂનિવર્સિટી-પરડ્યૂ યૂનિવર્સિટી ઈન્ડિયાના પોલીસમાં ન્યૂક્લિયર મેડિસીન ટેક્નોલોજીમાં સ્નાતક કરી રહેલી રુઈઝે કહ્યું કે અતીતની આ ઘટનાને દેખાડવી એ સન્માનની વાત છે જેના કારણે પાઘડી હટાવવા સંબંધિત નીતિમાં બદલાવ કરવો પડ્યો. ઈન્ડિયાના પોલીસ આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર સિંહ ફિલ્મનું ફિલ્માંકન થયું છે અને આવતા મહિને આ ફિલ્મ રીલીઝ થશે.