કશ્મીર વિવાદમાં મધ્યસ્થી કરવાની સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ ના પાડી દીધી

ન્યૂયોર્ક – સંયુક્ત રાષ્ટ્ર (યુએન) સંસ્થા તરફથી લેવાયેલા એક નિર્ણયને કારણે પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. યુએનનાં પ્રમુખનાં પ્રવક્તા સ્ટીફેની દુજેરીકે આજે જણાવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં કશ્મીર વિવાદને કારણે કોઈ સંભવિત વધારે બગાડો થાય એ વિશે યુએનનાં મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસ ચિંતિત છે અને એમની એવી ઈચ્છા છે કે બંને દેશ પરસ્પર મંત્રણા કરીને જ આ વિવાદનો ઉકેલ લાવે.

દુજેરીકનું આ નિવેદન પાકિસ્તાન માટે એક ફટકા સમાન છે જ્યારે ભારત માટે મોટા વિજય સમાન છે. કારણ કે, પાકિસ્તાન સરકાર હંમેશાં કશ્મીર વિવાદને આંતરરાષ્ટ્રીય રૂપ આપતું આવ્યું છે જ્યારે ભારત સરકાર સતત પુનરોચ્ચાર કરતી રહી છે કે કશ્મીર એ ભારતની આંતરિક બાબત છે તેમજ આ મુદ્દે પાકિસ્તાન સાથે એના વિવાદમાં કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થીની જરૂર નથી.

આજે પત્રકાર પરિષદને સંબોધિત કરતાં યુએનનાં વડાનાં પ્રવક્તાએ સ્પષ્ટપણે નિર્દેશ કર્યો હતો કે મધ્યસ્થતા અંગે યુએન સંસ્થાનું વલણ કાયમ યથાવત્ જ રહ્યું છે. યુએનના મહામંત્રી બંને દેશ સાથે સંપર્કમાં છે તે છતાં એમનું માનવું છે કે કશ્મીર વિવાદ એ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો જ છે.

યુએનનાં મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસ

ઉલ્લેખનીય છે કે, યુએનના પ્રમુખ ગુટેરેસ તાજેતરમાં ફ્રાન્સના બિયારિત્ઝમાં G7 શિખર સંમેલન વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. એમણે પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમૂદ કુરેશી સાથે પણ વાતચીત કરી હતી. ગયા સોમવારે ગુટેરેસ યુએન ખાતે પાકિસ્તાનનાં કાયમી પ્રતિનિધિ મલીહા લોધીને પણ મળ્યા હતા.

દુજેરીકે પત્રકારોને કહ્યું કે યુએન મહામંત્રીએ આ તમામ નેતાઓને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે પોતે ઈચ્છે છે કે કશ્મીર વિવાદને ભારત અને પાકિસ્તાન આપસમાં મંત્રણા કરીને જ ઉકેલે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]