અમેરિકન ગાયિકા સેલેના ગોમેઝને બોલીવૂડની ફિલ્મ માટે ગીત ગાવું છે

નવી દિલ્હી – અમેરિકાની જાણીતી ગાયિકા અને અભિનેત્રી સેલેના ગોમેઝને બોલીવૂડની કોઈક ફિલ્મ માટે ગીત ગાવાની ઈચ્છા છે. એનું કહેવું છે કે એને જો એવી તક મળશે તો એ તેનો બહુ સુંદર અનુભવ બની રહેશે.

એક મુલાકાતમાં જ્યારે સેલેનાને પૂછવામાં આવ્યું કે ‘શું તને બોલીવૂડની કોઈ ફિલ્મ માટે ગીત ગાવાની ઈચ્છા છે?’ ત્યારે એણે જવાબમાં કહ્યું, ‘મને આવું અગાઉ ક્યારેય પૂછવામાં આવ્યું નથી, પણ ચોક્કસ મારી એવી ઈચ્છા છે. મને જો એવી તક મળશે તો એ મારે માટે સુંદર અનુભવ બની રહેશે.’

સેલેનાએ કહ્યું કે પોતે ભારતનાં અમુક સંગીતકારોને ફોલો કરી રહી છે અને એ લોકો સરસ કામગીરી બજાવી રહ્યા છે. ‘મને એ.આર. રહેમાનનું સંગીત ગમે છે. એ આજે ગ્લોબલ હસ્તી છે. મને એમના દ્વારા નિર્મિત કોઈ ધૂન પર ગીત ગાવાનું ગમશે. બોલીવૂડની કોઈ ફિલ્મના ગીત માટે સ્વર આપવાનો અનુભવ બહુ સુંદર બની રહેશે.’

સેલેના ‘કમ એન્ડ ગેટ ઈટ’, ‘ધ હાર્ટ વોન્ટ્સ વોટ ઈટ વોન્ટ્સ’, ‘બેડ લાયર’, ‘વૂલ્વ્સ’, ‘બેક ટુ યૂ’ જેવા ગીતો માટે જાણીતી થઈ છે.

અભિનેત્રી અને વોઈસ-ઓવર આર્ટિસ્ટ સેલેના હાલ એની આગામી ફિલ્મ ‘હોટેલ ટ્રાન્ઝિલ્વેનિયા 3: સમર વેકેશન’ના પ્રમોશન માટે સફર કરી રહી છે. આ ફિલ્મ માટે સેલેનાએ પોતાનો સ્વર આપ્યો છે. આ ફિલ્મમાં એડમ સેન્ડલર, એન્ડી સેમ્બર્ગ, કેવીન જેમ્સ, મેલ બ્રુક્સ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]