આઇપીઓ થકી અધધધ ભંડોળ મેળવીને આ કંપની સૌથી મૂલ્યવાન બની ગઇ

ન્યુયોર્ક:  સાઉદી અરબની સરકારી પેટ્રોલિયમ કંપની સાઉદી અરામકોએ આઈપીઓ લોન્ચ કર્યો. કંપનીએ તેના આઈપીઓ દ્વારા 2560 કરોડ ડૉલર (અંદાજે 1.80 લાખ કરોડ રૂપિયા)નું ભંડોળ મેળવ્યું છે. આ સાથે જ અરામકો વિશ્વમાં આઈપીઓ મારફતે સૌથી વધુ ભંડોળ મેળવનારી કંપની બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ ચીનની ઈ-કોમર્સ કંપની અલીબાબના નામે હતો, જેણે 2014માં આઈપીઓ મારફતે 2500 કરોડ ડોલરનું ભંડોળ મેળવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું કે રિયાધ સ્ટોક એક્સચેન્જ પર અરામકોના શેર 32 રિયાલની શરુઆતી કિંમત પર વેંચવામાં આવશે. એ હિસાબે કંપનીનું માર્કેટ કેપ 1.7 લાખ કરોડ ડૉલર થાય છે. આ સાથે જ અરામકો વિશ્વની સૌથી મોટી કંપની બની ગઈ છે.  આ મહિનાના અંતે રિયાધ સ્ટોક એક્સચેન્જમાં તેનું લિસ્ટિંગ થશે. અરામકોએ IPO પ્રાઈઝ 8.53 ડોલર નક્કી કરી હતી. આ કિંમત પ્રમાણે અરામકોએ 20 હજાર કરોડનું શેર મૂલ્ય 1.70 લાખ કરોડ ડોલર (121 લાખ કરોડ રૂપિયા) થાય છે. એપલનું માર્કેટ કેપ 1.18 લાખ કરોડ ડોલર (84 લાખ કરોડ રૂપિયા) છે.

વિદેશના માર્કેટમાં નહીં થાય લિસ્ટિંગ

અગાઉ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતુ કે, સાઉદી અરામકોનો આઈપીઓનું બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થશે. કારણ કે પહેલા કંપનીનો પ્લાન પાંચ ટકા શેરોનું વેંચાણ આઈપીઓ મારફતે કરવાનો હતો તે હિસાબે એ સમયે બે ટકા શેર સાઉદી અરબના તડાવુલ શેર બજાર અને બાકીના ત્રણ ટકા શેર એક વિદેશી સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થવાના હતા. પણ પાછળથી કંપનીએ સ્પષ્ટ કહી દીધુ કે, તેમની યોજના આંતરાષ્ટ્રીય માર્કેટમાં શેર લિસ્ટ કરાવવાની નથી.

ઉલ્લેખનીય છે કે,  અરામકો સાઉદી અરબની સરકારી કંપની છે. ગયા મહિને 1.5 ટકા શેર વેચાણ માટે IPO રજૂ કર્યો હતો. પ્રથમ વખત વર્ષ 2016માં IPO રજૂ કરવાની યોજના રજૂ કરી હતી. પરંતુ વેલ્યુએશન વધારવાના પ્રયાસમાં સતત તેમા વિલંબ થતો હતો. સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને અરામકોનું વેલ્યુએશન 2 લાખ કરોડ ડોલર (142 લાખ કરોડ રૂપિયા) આંકલન કર્યું હતું. અરામકો નફાની દ્રષ્ટીએ પણ સૌથી મોટી કંપની છે. ગત વર્ષ 11,100 કરોડ ડોલરનો નફો થયો હતો. તે એપલના વર્ષિક નફા કરતા 50 ટકા વધારે છે. 30મી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં એપલને કુલ 5,525 કરોડ ડોલર નફો થયો હતો. એપલનું નાણાકીય વર્ષ સપ્ટેમ્બરમાં પૂર્ણ થાય છે. શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓમાં એપલ વિશ્વની સૌથી વધુ નફો કરતી કંપની છે. અરામકોએ આ વર્ષના પ્રથમ 9 મહિના (જાન્યુઆરી-સપ્ટેમ્બર)માં જ રૂપિયા 6,800 કરોડ ડોલરનો નફો કર્યો હતો.

 

રિલાયન્સ ઈન્ડસ્ટીઝ સાથે ડીલ અંગે વાતચીત

એશિયાના સૌથી મોટા ધનકુબેર મુકેશ અંબાણીની આગેવાની વાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સાઉદી અરામકો સાથે ભાગદારી વેચાણને લઈને વાતચીત ચાલી રહી છે. રિલાયન્સની 42મીં એજીએમમાં એ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, અરામકો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઓઈલ-ટુ-કેમિકલ બિઝનેસનો 20 ટકા હિસ્સો ખરીદશે. આ ડીલ માટે સાઉદી અરામકો 15 અબજ ડોલરનું રોકાણ કરશે, જે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) મામલે અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ હશે. ભાગીદારી ખરીદ્યા બાદ રિલાયન્સ રિફાઈનરીને અરામકો દરરોજ પાંચ લાખ બેરલ ક્રૂડ ઓઈલની સપ્લાઈ કરશે.