સાઉદી અરેબિયામાં વધ્યું યોગનું મહત્વ, અપાયો ખેલનો દરજ્જો

સાઉદી અરેબિયા- વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવતું અને પોતાની ખૂબીઓથી પ્રખ્યાત થયેલા સાઉદી અરબિયામાં યોગનું મહત્વ વધી રહ્યું છે. જ્યાં વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલયે યોગને ખેલ અને ગતિવિધિ તરીકે માન્યતા આપી દીધી છે. જેથી હવે કોઈ સાઉદી અરબિયામાં યોગના પ્રશિક્ષણને પ્રોત્સાહન આપવા ઈચ્છે તો ત્યાંની સરકાર પાસેથી લાઈસન્સ મેળવીને પોતાનું કામ શરુ કરી શકે છે.

ભારતમાં વિવિધ રાજકીય પક્ષો યોગને ધર્મ સાથે જોડીને વિવાદનો મધપુડો છંછેડી રહ્યા છે, તો બીજી તરફ ઈસ્લામિક દેશ સાઉદી અરબમાં યોગને એક ખેલ તરીકે સત્તાવાર માન્યતા આપવામાં આવી છે. સાઉદી અરબની ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ મિનિસ્ટ્રીએ સ્પોર્ટસ એક્ટિવિટીઝ તરીકે યોગ શીખવાડવાની વાતને સમર્થન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, નઉફ મારવાઈ નામની મહિલાને સાઉદી અરબની પહેલી યોગ શિક્ષક તરીકેનો દરજ્જો મળ્યો છે. યોગને ખેલ તરીકે સાઉદી અરબમાં માન્યતા અપાવવાનું શ્રેય નઉફને આપવામાં આવે છે. આ માટે નઉફ ઘણાં વર્ષોથી કાર્યરત હતી. અરબ યોગા ફાઉન્ડેશનની ફાઉન્ડર નઉફનું માનવું છે કે, યોગ અને ધર્મની વચ્ચે કોઈ પ્રકારનો સંઘર્ષ નથી.

અરબી યોગાચાર્યના રુપમાં નઉફે વર્ષ 2010માં અરબ યોગ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. તેણે જેદ્દાહમાં રિયાદ-ચાઈનીઝ મેડિકલ સેન્ટર ખોલ્યું છે. જ્યાં આર્યુવેદ અને યોગના માધ્યમથી દર્દીઓની સારવાર કરવામાં આવે છે. નઉફ જણાવે છે કે, યોગથી લોકોનું સ્વાસ્થ્ય સુધરે છે. યોગને ધર્મ સાથે જોડવો જોઈએ નહીં.

ઈસ્લામ ધર્મને લઈને પોતાના કટ્ટરપંથી વલણને કારણે જાણીતું સાઉદી અરબ હાલમાં મોટા બદલાવ કરી રહ્યું છે. આ પહેલા 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સાઉદી અરબની વિવિધ ભારતીય સ્કૂલોમાં યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. સાઉદીના સુલ્તાન શાહ સલમાન બિન અબ્દુલ અઝીઝના દીકરા પ્રિન્સ મોહંમદ બિન સલમાને સાઉદી અરબને ઉદારવાદી ઈસ્લામ તરફ લઈ જવાનો વાયદો કર્યો હતો. આ હેતુથી ત્યાં મહિલાઓને કાર ચલાવવાનો પ્રતિબંધ પણ હટાવી લેવાયો છે.