તો ઉત્તર કોરિયાને આર્થિક મદદ કરશે અમેરિકા!

વોશિંગ્ટન- અમેરિકાના ટોચના રાજદૂતે જણાવ્યું છે કે, જો ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન કોરિયાઈ ટાપુને સંપુર્ણપણે અણુશસ્ત્રોથી મુક્ત કરશે તો અમેરિકા અને તેના આંતરરાષ્ટ્રીય સહયોગી દેશ ઉત્તર કોરિયાને આર્થિક મદદ કરવાનું આશ્વાસન આપી શકે છે. આપને જણાવી દઈએ કે, અમેરિકાના વિદેશપ્રધાન માઈક પોમ્પિઓ તાજેતરમાં જ ઉત્તર કોરિયાની રાજકીય યાત્રાએથી પરત ફર્યાં છે.માઈક પોમ્પિઓએ જણાવ્યું કે, ઉત્તર કોરિયાના નેતા સાથે તેમની વાટાઘાટો સકારાત્મક રહી છે. અમેરિકન વિદેશ મંત્રાલયના મુખ્યાલય ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં, પેમ્પિઓએ જણાવ્યું હતું કે, પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વૈશ્વિક સમુદાયે સિંગાપોરમાં યોજાનારી બન્ને નેતાઓ વચ્ચેની બેઠકમાંથી સફળ પરિણામો મેળવવા માટેની કેટલીક શરતો તૈયાર કરી છે.

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગના વ્યક્તિત્વ વિશે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં માઈક પોમ્પિઓએ પત્રકારોને કહ્યું કે, ‘તમે મને કિમ જોંગ સાથે મુલાકાત અંગે પુછી શકો અને કિમ જોંગ સાથે મારી બેઠક કેવી રહી તે પણ પુછી શકો છો, પરંતુ આ પ્રશ્ન મારી દ્રષ્ટિએ અયોગ્ય છે’. માઈકે કહ્યું કે, અમારી વચ્ચે સકારાત્મક ચર્ચા થઈ હતી. સાથે જ કેટલીક જટિલ સમસ્યાઓ અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. માઈકે કહ્યું કે, અમેરિકા એ વાતની ખાતરી કરવા ઈચ્છે છે કે, અમારા પ્રયાસોનું સકારાત્મક પરિણામ આવે અને ઉત્તર કોરિયા વિશ્વ માટે ખતરો બને નહીં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]