મેહુલ ચોક્સીએ ભારતીય નાગરિકત્વ છોડી દીધું; હવે એને ભારત લાવવો મુશ્કેલ

નવી દિલ્હી – પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. સાડા 13 હજાર કરોડની છેતરપીંડી કરવાના કૌભાંડમાં જે મુખ્ય આરોપી તરીકે જાહેર કરાયો છે તે મેહુલ ચોક્સીએ ભારતીય નાગરિકત્વ છોડી દીધાનો અહેવાલ છે.

ચોક્સીએ કેરિબીયન ટાપુ રાષ્ટ્ર એન્ટીગ્વાનું નાગરિકત્વ મેળવી લીધું છે. એણે પોતાનો ભારતીય પાસપોર્ટ એન્ટીગ્વાસ્થિત ભારતીય દૂતાવાસને પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરી દીધો છે.

ભારતીય નાગરિકત્વ છોડી દેતાં ચોક્સીને હવે ભારત પાછો લાવવાનું ભારત સરકાર માટે મુશ્કેલ બનશે.

નાગરિકતા છોડવા બદલ ચોક્સીને 177 અમેરિકી ડોલરની રકમનો ડ્રાફ્ટ આપવો પડ્યો છે.

ચોક્સીના આ પગલા વિશેની જાણકારી નવી દિલ્હીસ્થિત વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અમિત નારંગે ગૃહ મંત્રાલયને આપી દીધી છે.

નાગરિકતા છોડવા માટેના ફોર્મમાં ચોક્સીએ પોતાનું નવું સરનામું લખાવ્યું છે – જોલી હાર્બર સેન્ટ માર્કસ, એન્ટીગ્વા.

ચોક્સીએ ભારતીય દૂતાવાસને કહ્યું હતું કે એણે નિયમો અંતર્ગત એન્ટીગ્વાનું નાગરિકત્વ મેળવ્યું છે અને ભારતીય નાગરિકત્વ છોડી દીધું છે.ચોક્સીએ 2017માં એન્ટીગ્વાનું નાગરિકત્વ હાંસલ કર્યું હતું. મુંબઈ પોલીસની મંજૂરી મળ્યા બાદ ચોક્સીને તે નાગરિકત્વ મળ્યું હતું.

પંજાબ નેશનલ બેન્કમાં કૌભાંડ બહાર આવશે એવું જણાયા બાદ ચોક્સી અને એમનો ભાણેજ નીરવ મોદી ભારતમાંથી ફરાર થઈ ગયા હતા. આ કૌભાંડની તપાસ સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ એજન્સીઓ કરી રહી છે. અત્યાર સુધીમાં આ બંનેની રૂ. સાડા ચાર હજાર જેટલી કિંમતની સંપત્તિ કબજે કરવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]