નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્ક ટાઇમ્સમાં લખ્યુંઃ ગાંધી ઇઝ ધ બેસ્ટ ટીચર

નવી દિલ્હીઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150 મી જયંતી પર દેશ-દુનિયામાં બાપૂને યાદ કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ આજે રાજઘાટ પહોંચીને બાપુને યાદ કરવાની સાથે જ અમેરિકી સમાચારપત્ર ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક લેખ પણ લખ્યો છે. આજે પ્રકાશિત કરવામાં આવેલા આ લેખમાં ગાંધીજીને બેસ્ટ ટીચર ગણાવવામાં આવ્યા છે. સાથે જ અહિંસા અને પ્રેમથી ભરાયેલા ગાંધીના સ્વપ્નની દુનિયા બનાવવા માટે સપોર્ટ પણ માંગવામાં આવ્યો છે. લેખમાં એક્ટિવિસ્ટ માર્ટિન લૂથર કિંગ અને નેલ્સન મંડેલા સાથે જોડાયેલા કેટલાક કિસ્સા જણાવવામાં આવ્યા છે, જેમાં તેમણે ગાંધીજીના વખાણ કર્યા છે.

સૌથી પહેલા વડાપ્રધાન મોદીએ મૌલિક અધિકારોના મોટા એક્ટિવિસ્ટ માર્ટિન લૂથર કિંગનો ઉલ્લેખ કર્યો છે. લેખ અનુસાર, માર્ટિન ભારતને કોઈ ધાર્મિક સ્થળ જેવું માનતા હતા કારણ કે તેઓ ગાંધીથી ખૂબ પ્રભાવિત હતા. લેખમાં મોદીએ નેલ્સન મંડેલા દ્વારા કરવામાં આવેલા ગાંધીજીના વખાણનો પણ ઉલ્લેખ કર્યો. મોદીએ લખ્યું કે મંડેલા ગાંધીને મહાન યોદ્ધા માનતા હતા, જેમની અંદર માનવ સમાજમાં ફેલાયેલા વિરોધાભાસ વચ્ચે પુલ બનવાની ખૂબી પણ હતી.

ગાંધીજીના વખાણમાં મોદીએ લખ્યું, દુનિયાભરમાં ઘણા મોટા આંદોલન થયા. ભારતમાં સ્વતંત્રતા માટે પણ ઘણા આંદોલનો થયા, પરંતુ આ બધામાં ગાંધીજીનો સંઘર્ષ સૌથી અલગ હતો. તેમણે ક્યારેય પણ કોઈ સરકારી પદ નથી લીધું. તેમને સત્તાનો કોઈ મોહ રહ્યો નથી.

મોદીએ લખ્યું કે પોતાને યોગ્ય રસ્તા પર ચલાવવા માટે ગાંધી આપણા બેસ્ટ ટીચર છે. માનવતા, સતત વિકાસ અથવા આર્થિક આત્મ નિર્ભરતા, ગાંધી પાસે બધા માટે સમાધાન હતા. વડાપ્રધાને આગળ લખ્યું છે કે, ભારત ગાંધીના સ્વપ્નોને પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

વડાપ્રધાને પોતાના લેખના અંતમાં એક ચેલેન્જ આપી છે. નવી પેઢી ગાંધીજીને કેવી રીતે યાદ રાખે, તેના માટે શું કરવું જોઈએ? આના પર આઈડિયાઝ માંગવામાં આવ્યા છે. અંતમાં વડાપ્રધાને પોતાના લેખમાં લખ્યું, કે આવો ખભેથી ખભો મીલાવીને સંસારને સમૃદ્ધ બનાવીએ, નફરત અને હિંસાને ખતમ કરીએ. ત્યારે જ ગાંધીનો સંસાર બનશે, જેવી રીતે તેમના પસંદગીના ભજન વૈષ્ણવ જનમાં બતાવવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]