નવી દિલ્હી- મોદી સરકારની કડક વિદેશી નીતિની ચર્ચા વિદેશોમાં પણ થઈ રહી છે. અમેરિકી સંસદ સામે વિદેશ નીતિ અને તેમાં પણ વિશેષ કરીને ચીનના મામલાઓ પર ધ્યાન રાખનારા અમેરિકન થિંક ટેંકે જણાવ્યું કે, ચીનના પ્રેસિડેન્ટ જિનપીંગનો ડ્રીમ પ્રોજેક્ટ વન બેલ્ટ વન રોડ (OBOR) પરિયોજના વિરુદ્ધ ભારતના પીએમ નરેન્દ્ર મોદી એકમાત્ર એવા સક્ષમ નેતા છે જેણે આ યોજનાનો વિરોધ કર્યો છે.
આ પહેલા ડોકલામ વિવાદમાં પણ પીએમ મોદીએ ચીન સામે કડક વલણ અપનાવ્યું હતું. જેમાં બે મહિનાથી પણ વધુ સમય બન્ને દેશના સૈનિકો આમને-સામને રહ્યા બાદ ચીનને તેના સૈનિકોને પરત બોલાવવાની ફરજ પડી હતી.
અમેરિકાના પ્રતિષ્ઠિત થિંક ટેંક હડસન ઈન્સ્ટિટ્યૂટના સેન્ટર ઓન ચાઈનીઝ સ્ટેટ્રેજીના ડાયરેક્ટર માઈકલ પિલ્સ્બરીએ અમેરિકન સાંસદો સામે અમેરિકાની ચીન નીતિ અને ભારતની ભૂમિકાને લઈને અનેક મહત્વની વાતો રજૂ કરી હતી. આપને જણાવી દઈએ કે, પિલ્સ્બરીનું આ નિવેદન અમેરિકાના 700 બિલિયન ડોલરના રક્ષા બજેટ અને ભારતને અમેરિકાના પ્રમુખ રક્ષાભાગીદાર ગણાવ્યા બાદ આ નિવેદન આવ્યું છે.
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના હાલના એશિયા પ્રવાસ દરમિયાન પીએમ મોદી સાથે તેમની મુલાકાત થઈ હતી. બન્ને દેશના વડાઓએ આ મુલાકાતને પરસ્પર સહયોગ અને એશિયાના વિકાસમાટે મહત્વની ગણાવી હતી. આ મુલાકાત દરમિયાન અમેરિકન પ્રેસિડેન્ટે ભારતને મહાન લોકતંત્ર ગણાવ્યું હતું અને ભારતની વધી રહેલી સૈન્ય જરુરિયાત અંગે પણ સહમતિ વ્યક્ત કરી હતી.
પિલ્સ્બરીએ કહ્યું કે, ચીનના OBOR પ્રોજેક્ટ પર અમેરિકા પણ ચુપ રહ્યું, જ્યારે પીએમ મોદી અને તેમની ટીમ ચીનના પ્રેસિડેન્ટના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો વિરોધ કરવામાં ઘણી સક્રિય રહી. જોકે ભારતના વિરોધ કરવાનું એક કારણ એ પણ છે કે, ચીનનો આ પ્રોજેક્ટ ભારતીય સંપ્રભુતા અને અખંડતાનું ઉલ્લંઘન કરે છે.