ઓસાકા G20 સંમેલનમાં ટ્રમ્પે મોદીને અભિનંદન આપ્યા, મોદીએ આભાર માન્યો

ઓસાકા (જાપાન) – વિશ્વના 20 દેશોનાં અહીં યોજાયેલા શિખર સંમેલન G20 સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.

બંને નેતાએ ઈરાન સાથે અમેરિકાની તંગદિલી, વ્યાપાર, સંરક્ષણ અને 5G કમ્યુનિકેશન નેટવર્ક સહિત અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

આ બેઠકમાં ટ્રમ્પે મોદીને લોકસભા ચૂંટણીમાં ઝળહળતી જીત હાંસલ કરવા બદલ એમને વ્યક્તિગત રીતે અભિનંદન આપ્યા હતા. એમણે કહ્યું કે, ‘તમારા દેશમાં આપસમાં ઝઘડી રહેલા ઘણા જૂથોને તમે એકત્ર કર્યા છે. તમારી ક્ષમતાને હું દાદ આપું છું.’

મોદીએ વળતું નિવેદન કરીને ટ્રમ્પનો આભાર માન્યો હતો. (આ બંને નિવેદનનાં વિડિયો જુઓ).

મોદીએ ટ્રમ્પને કહ્યું કે અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પીઓ હાલમાં જ ભારત આવ્યા હતા અને તમે પાઠવેલો પત્ર મને સુપરત કર્યો હતો એમાં તમે ભારત પ્રતિ જે પ્રેમ દર્શાવ્યો છે તે બદલ તમારો આભારી છું.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ઈરાન ઉપર આર્થિક નિયંત્રણો લાદ્યા છે. ઈરાન તથા અન્ય છ દેશો વચ્ચે 2015ની સાલમાં થયેલી અણુ સમજૂતીમાંથી ઈરાન હટી ગયા બાદ અમેરિકાએ ગયા વર્ષના નવેંબરથી તેની પર નિયંત્રણો લાદ્યા છે. અમેરિકાનો હેતુ ઈરાનની ક્રૂડ તેલની નિકાસ સદંતર બંધ કરાવી દેવાનો છે. ઈરાન પાસેથી કાચું તેલ ખરીદતા ભારત સહિતના દેશોને અમેરિકાએ જે છૂટછાટ આપેલી એને અમેરિકાએ ગઈ બીજી મેએ બંધ કરી દીધી છે. ભારતે અમેરિકાના આદેશનું પાલન કરીને ઈરાન પાસેથી કાચા તેલની આયાત બંધ કરી દીધી છે.

ટ્રમ્પે ગઈ કાલે ઓસાકામાં મળેલી બેઠકમાં મોદીને કહ્યું કે આપણી પાસે ઘણો સમય છે. ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. એ લોકો ભલે એમના સમયે નિર્ણય લે. એમની પર કોઈ પ્રકારનું દબાણ નથી. આપણા બેઉ દેશ લશ્કરી સહિત ઘણા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરે એવી મારી ઈચ્છા છે.