પાકિસ્તાનીઓને વડાપ્રધાન ઈમરાન ખાને આપ્યું અલ્ટીમેટમ…

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તમામ પાકિસ્તાનીઓને પોતાની સંપત્તિ જાહેર કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. પાકિસ્તાન સરકાર મંગળવારના રોજ પોતાના નાણાકીય વર્ષ માટે બજેટ રજૂ કરવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સરકાર અત્યંત ગંભીર આર્થિક સંકટ ભોગવી રહી છે. પાકિસ્તાન સરકારે અત્રતત્રથી વૈશ્વિક સંસ્થાઓ અને મિત્ર દેશો પાસેથી અબજો ડોલરનું ઋણ પણ આ કારણે લેવું પડ્યું છે. આ સંજોગોમાં પાકિસ્તાન પીએમનું આ અલ્ટીમેટમ આવ્યું છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સોમવારના રોજ રાષ્ટ્રના નામે કરેલા સંબોધનમાં કહ્યું કે હું આપ સહુને એસેટ ડેક્લેરેશન સ્કીમમાં ભાગ લેવા માટે અપીલ કરું છું, કારણ કે જો આપણે ટેક્સ નથી ચૂકવતા તો આપણે આપણા દેશને આગળ લઈ જવામાં સફળ નહી થઈએ.

વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે જો પોતાના દેશને આપણે મહાન બનાવવા ઈચ્છીએ છીએ તો આપણે આના માટે પોતાને બદલવા પડશે. આપને જણાવી દઈએ કે પાકિસ્તાને આંતરરાષ્ટ્રી મુદ્રા કોષથી પણ 6 અબજ ડોલરનું પેકેજ લીધું છે અને આના માટે સંસ્થાએ ટેક્સનો લક્ષ્ય પાકિસ્તાન સામે મૂક્યું છે. આ જ કારણ છે કે ઈમરાન ખાન ટેક્સ કલેક્શન વધારવાની તમામ શક્ય કોશીષો કરી રહ્યા છે.

પ્રીમિયરે કહ્યું કે, લોકો પાસે બેનામી સંપત્તિ, બેનામી બેંક અકાઉન્ટ અને બેનામી ધનને જાહેર કરવા માટે 30 જૂન સુધીનો સમય છે. 30 જૂન બાદ આપને ફરીથી આવી તક નહી મળે. એકવાત યાદ રાખો કે અમારી સરકાર પાસે એ જાણકારી છે, જે પહેલાની સરકાર પાસે નથી.

તેમણે આગળ કહ્યું કે વિદેશોની સરકારો સાથે તેમણે સમજૂતી કરી છે અને તેમને પાકિસ્તાનીઓના બેંક અકાઉન્ટ અને સંપત્તિ મામલે જરુરી જાણકારી મળી રહી છે.

પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે અમારી એજન્સીઓ પાસે બેનામી અકાઉન્ટ અને બેનામી સંપત્તિ મામલે સૂચના છે. અમારી પાસે પહેલા જાણકારી નહોતી એટલા માટે સ્કીમનો લાભ ઉઠાવો અને પાકિસ્તાનને પણ ફાયદો પહોંચાડો. પોતાના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરો. અમને એક તક આપો કે અમે દેશને તેના પગ પર ઉભો કરી શકીએ અને લોકોને ગરીબીથી બહાર કાઢી શકીએ.

રાષ્ટ્રના નામે સંબોધનની શરુઆતમાં ઈમરાન ખાને કહ્યું કે, મારા પાકિસ્તાનીઓ, છેલ્લા 10 વર્ષમાં પાકિસ્તાનનું દેવું 6000 અબજ રુપિયાથી વધીને 30,000 અબજ થઈ ગયું છે.

ઈમરાન ખાને કહ્યું કે પાકિસ્તાન એક એવો દેશ છે કે જે દુર્ભાગ્યથી દુનિયાનો સૌથી ઓછો ટેક્સ આપનારો દેશ છે પરંતુ આ જ દેશ તે થોડાક દેશો પૈકી એક છે કે ખુલીને ચેરીટી કરે છે. આ દેશની આ જ ક્ષમતા છે અને જો આની અંદર જોશ આવે તો આપણે દર વર્ષે ઓછામાં ઓછા 10,000 અબજ રુપિયા એકત્ર કરી શકીએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]