સ્વિટ્ઝરલેન્ડમાં ટૂરિસ્ટ વિમાન તૂટી પડતાં 20નાં મરણ

ફ્લિમ્ઝ (સ્વિટ્ઝરલેન્ડ) – એક વિન્ટેજ, જૂના જમાનાનું વિમાન સ્વિટ્ઝરલેન્ડના અગ્નિ ખૂણે આલ્પ્સ પર્વતમાળામાં તૂટી પડતાં એમાં પ્રવાસ કરી રહેલાં તમામ 20 જણનાં મરણ નિપજ્યાં છે.

તે વિમાન હતું ‘જૂન્કર Ju-52 પ્રોપેલર’. એ 1939ની સાલનું હતું. શનિવારે તે ફ્લિમ્ઝ રિસોર્ટ શહેર નજીક પહાડોમાં તૂટી પડ્યું હતું.

વિમાનમાં 11 પુરુષો અને 9 મહિલાઓ હતી. એક દંપતી અને એમનો પુત્ર ઓસ્ટ્રિયાનાં હતાં, બાકીનાં તમામ સ્વિટ્ઝરલેન્ડનાં રહેવાસીઓ હતા. વિમાનના ત્રણ જણ ક્રૂ મેમ્બર હતા.

તમામ મૃતક પ્રવાસીઓ સાઈટસીઈંગ પર નીકળ્યાં હતાં.

દુર્ઘટનાનું કારણ હજી જાણવા મળ્યું નથી.

વિમાનનું સંચાલન સ્વિસ કંપની Ju-Air દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આ કંપની જૂનાં, સ્વિસ મિલિટરીનાં વિમાનમાં પર્યટકોને વિમાન સફર કરાવતી હોય છે. એની પાસે હજી આવા ત્રણ જૂન્કર વિમાનો છે. વિમાનના પાઈલટ ભૂતપૂર્વ લશ્કરી જવાન અથવા કોઈ પ્રોફેશનલ પાઈલટ હોય છે.