આ હ્રદય દ્વાવક તસવીરને મળ્યો વર્લ્ડ પ્રેસ ફોટો એવોર્ડ

એમ્સ્ટરડેમઃ દુનિયામાં જન્મેલો માણસ પોતાના જીવનમાં શાંતિ અને સુખાકારી માટે કેટલીક વાર કંઇ પણ કરી છુટવા તૈયાર થઇ જાય છે. પોતાના જન્મ સ્થળે પેટિયું રળવામાં કે સુખે થી રહેવામાં તકલીફ પડે કે તુર્તજ બીજા રાજ્ય કે દેશના શરણે જવા નિશ્ચય કરી લે છે. સોનાની ખાણ  જેવા દેખાતા અમેરિકા જેવા દેશો માં જવા માટે સૌ મીટ માંડીને બેઠા હોય છે., કારણ કેટલાય લોકો માને છે કે કમાણી માટે અને શાંતિ માટે અમેરિકા શ્રેષ્ઠ છે. એટલે સૌ વિચારે.. કેવી રીતે જઇશ.. આમાં કેટલાક લોકો અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરતાંય અચકાતા નથી., યેન કેન પ્રકારે અમેરિકામાં ઘૂસવા પ્રયાસ કરે છે. બીજા દેશમાં પરાણે ઘૂસણખોરી કરવી એ ગેરકાયદે ગણાય. આવી જ એક ઘૂસણખોરીની એક ઘટના મેક્સિકો-અમેરિકાની બોર્ડર પર સામે આવી. પણ, એ ઘટનાએ આખીય દુનિયાને સંવેદશીલ બનાવી દે એવી તસવીર આપી. બન્યુ એવું કે એક મહિલા મેક્સિકો બોર્ડરે થી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવા પ્રયાસ કરતી હતી. એ જ વેળાએ સુરક્ષા દળોના હાથે ઝડપાઇ ગઇ. મહિલાની ઉલટ તપાસ થતી હતી અને એનું બાળક આક્રંદ કરતું હતુ. આ આખીય ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ. એ તસવીરને વર્લ્ડ પ્રેસમાં મોકલવામાં આવી અને એ એવોર્ડ જીતી ગઇ.

હોન્ડુરસની બે વર્ષની નિ:સહાય બાળકીએ દુનિયાભરના મીડિયાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. યુએસ-મેક્સિકો સરહદ પર યુએસ બોર્ડરના અધિકારીઓ જ્યારે તેની માતાની ઝડપતી લઈ રહ્યા હતા ત્યારે તેણી રડી રહી હતી. ગુરુવારે બાળકીની આ તસવીરે ખૂબ જ પ્રસિદ્ધ વોર્લ્ડ પ્રેસ ફોટો એવોર્ડ જીત્યો છે. ગેટીના ફોટોગ્રાફસ જ્હોન મૂરે દ્વારા લેવામાં આવેલી આ તસવીર અંગે જજે કહ્યુ હતું કે, “આ એક અલગ પ્રકારની હિંસક લાગણી છે, જેનો સંબંધ માનસશાસ્ત્ર સાથે છે.

બે વર્ષની બાળકીની આ તસવીર એટલી જાણીતી બની હતી કે પ્રસિદ્ધ ટાઇમ મેગેઝિને  સ્થાન આપ્યું હતું. મેગેઝિને બાળકીની મૂળ તસવીરને ક્રોપ કરીને તેને ટ્રમ્પની સામે ઉભેલી બતાવી હતી. બાળકીને માતા સાથે વિખુટી પાડવામાં આવ્યાના સમાચાર બાદ દુનિયાભરમાંથી યુએસ બોર્ડરના અધિકારીઓ પર ફિટકાર વરસી . જોકે, બાળકીના પિતા હોવાનો દાવો કરનાર એક વ્યક્તિએ જણાવ્યું છે કે તેની દીકરીને તેની માતાથી વિખુટી પાડવામાં આવી ન હતી.

બે વર્ષની બાળકીની માતા ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસવા જતાં યુએસ-મેક્સિકો બોર્ડર ખાતે બોર્ડર સુરક્ષા દળના હાથે ઝડપાઇ ગઈ હતી. સુરક્ષા જવાનો તેની માતાની તલાશી લઈ રહ્યા હતા ત્યારે તેની બે વર્ષની બાળકી રડી પડી હતી. આ તસવીર અમેરિકાની “નો ટોલરન્સ” બોર્ડર ઇમિગ્રેશન નીતિની પ્રતિકરૂપ બની ગઈ હતી. અનેક મીડિયામાં આ તસવીર પ્રસિદ્ધ થયા બાદ ટ્રમ્પ સરકારની બાળકોને માતાપિતાથી વિખુટા કરી દેવાના નિયમ સામે વિરોધનો વંટોળ ઉભો થયો , અને એના જ પરિણામે બુધવારે ટ્રમ્પે આ નિયમ રદ કરવાની જાહેરાત કરવી પડી હતી. બાળકીના પિતા ડેનિસ વલેરાએ ન્યૂઝ એજન્સી રોયટર્સ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, “મારી દીકરી યુએસ બોર્ડર ખાતે બાળકોને માતાપિતાથી વિખુટા પાડવાની ટ્રમ્પની નીતિની પ્રતિકરૂપ બની છે. કદાચ તેણે ટ્રમ્પનું દીલ જીતી લીધું હશે. બોર્ડર પર તેને મારી પત્નીથી અલગ કરવામાં આવી ન હતી.”

માઇગ્રન્ટ બાળકીની એ તસવીર જેણે ફોટોગ્રાફરને હચમચાવી નાખ્યો : ટ્રમ્પ વહીવટતંત્રની “નો ટોલરન્સ” બોર્ડર નીતિની પ્રતિકરૂપ બની ગયેલી આ તસવીર ગેટી ઇમેજના ફોટોગ્રાફર જ્હોન મૂરેએ ક્લિક કરી હતી. આ નીતિ હેઠળ હજારો બાળકોને તેમના માતાપિતાથી અલગ કરી દેવામાં આવ્યા છે. આ તસવીર લીધા બાદ મૂરેએ ઉંડો શ્વાસ લીધો હતો, તે અંદરથી હચમચી ગયો હતો. કદાચ તેની સાથે પ્રથમવાર આવું થયું હતું. ગેટી ઇમેજ માટે ફોટોગ્રાફી કરતો મૂરે આ પહેલા યુદ્ધ, માહામારી તેમજ દુનિયાભરના રેફ્યુજી કેમ્પ્સની ફોટોગ્રાફી કરી ચુક્યો છે. પરંતુ આ કદાચ તેની કારકિર્દીનો સૌથી યાદગાર અને અસરકારક તસવીર છે. અમેરિકામાં જ્યોર્જ ડબલ્યૂ બૂશના શાસન બાદથી તે માઇગ્રન્ટ કટોકટીની ફોટોગ્રાફી કરી રહ્યો છે.

મૂરે તેમજ યુએસ બોર્ડર પર ફરજ બજાવતા એજન્ટ્સ મેક્સિકો અને યુએસને અલગ કરતી રીઓ ગ્રાન્ડે નદીના કાંઠે હાજર હતા. રાત્રે તેમને કોઈ અવાજ સંભળાયો. આ અવાજ કોઈ બોટનો હતો, જે નદી પાર કરીને અમેરિકા તરફ આવી રહી હતી. બોટ કિનારે પહોંચી અને તેમાંથી ડઝનેક જેટલા લોકો ઉતાર્યા અને તમામ આમતેમ ભાગવા લાગ્યા. જોકે, બોર્ડર પર હાજર ગાર્ડ્સે તેમને પકડી પાડ્યા. એ અંધારી રાત હોવાથી મૂરે માટે ફોટોગ્રાફી કરવી અશક્ય કામ હતું. આ તમામ ઘટનાક્રમ વચ્ચે મૂરેને એક મહિલા નજરે પડી જે પોતાના બે વર્ષના બાળકને રસ્તાની વચ્ચે સ્તનપાન કરાવી રહી હતી. પકડાયા બાદ મહિલાએ પણ પોતાની પાસે રહેલી તમામ વસ્તુઓ એક થેલીમાં ભરીને સુરક્ષા એજન્ટ્સને આપી દીધી હતી. હવે તપાસનો વારો તેનો હતો. મૂરે એ વખતે તેનાથી છ ફૂટ જ દૂર ઉભો હતો. સુરક્ષા એજન્ટ્સના આદેશ બાદ મહિલાએ તેની બે વર્ષની દીકરીને નીચે મૂકી દીધી. બાદમાં એજન્ટ્સે તેની તલાશી લેવાનું શરૂ કર્યું હતું. આ સમયે જ એકાએક તેની બે વર્ષની દીકરી રડવા લાગી હતી. આ વખતે મૂરેએ બે તસવીરો ક્લિક કરી હતી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]