ભ્રષ્ટાચારના કેસમાં નવાઝ શરીફને સાત વર્ષની જેલની સજા ફટકારાઈ; દોઢ અબજનો દંડ પણ કરાયો

ઈસ્લામાબાદ – પાકિસ્તાનની ભ્રષ્ટાચાર-વિરોધી અદાલતે ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારના એક કેસના સંબંધમાં આજે સાત વર્ષની જેલની સજા ફરમાવી છે.

પદભ્રષ્ટ વડા પ્રધાન શરીફનો દાવો છે કે આ કેસ રાજકીય હેતુપ્રેરિત છે.

આ અલ-અઝીઝીયા સ્ટીલ મિલ્સ કેસ છે. ભ્રષ્ટાચારને લગતા એક અન્ય, ફ્લેગશિપ ઈન્વેસ્ટમેન્ટ કેસમાં શરીફને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.

ઈસ્લામાબાદ સ્થિત કોર્ટના મુહમ્મદ અર્શદ મલિક નામના જજે આ બંને કેસમાં સુનાવણી પૂરી થઈ ગયા બાદ 68-વર્ષીય શરીફ સામેનો પોતાનો ચુકાદો ગયા અઠવાડિયે અનામત રાખ્યો હતો.

આજે જજે ચુકાદો આપ્યા બાદ તરત જ શરીફની ધરપકડ કરી લેવામાં આવી હતી અને એમને અદિયાલા જેલમાં લઈ જવામાં આવ્યા હતા. કોર્ટે શરીફને અઢી કરોડ ડોલર (રૂ. દોઢ અબજ)નો દંડ પણ ફટકાર્યો છે.

ત્રણ વખત વડા પ્રધાન પદે રહી ચૂકેલા અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) પાર્ટીના વડા શરીફ સામેના બંને કેસમાં સુનાવણી પૂરી કરવા માટે સુપ્રીમ કોર્ટે આજના દિવસ સુધીની મહેતલ આપી હતી.

શરીફે ગઈ કાલે લાહોરથી અહીં આવી પહોંચ્યા બાદ પોતાના બચાવમાં કહ્યું હતું કે મારો આત્મા સ્વચ્છ છે. મેં એવું કંઈ નથી કર્યું કે જેનાથી મને કોઈ પ્રકારનો ભય ઊભો થાય. મેં એવું કંઈ નથી કર્યું કે જેનાથી મારે નીચાજોણું થાય. મેં કાયમ દેશ માટે પ્રામાણિકતાથી સેવા બજાવી છે.