43 દિવસ બાદ આંતરરાષ્ટ્રીય મીડિયાને લઈને બાલાકોટ પહોંચ્યું પાક.

ઈસ્લામાબાદઃ બાલાકોટ એરસ્ટ્રાઈકના 43 દિવસ બાદ પાકિસ્તાની સેનાએ આંતરરાષ્ટ્રીય મીડિયા કર્મચારીઓની એક ટીમ અને વિદેશી રાજનયિકોને મદરેસા અને તેની આસપાસના વિસ્તારનો પ્રવાસ કરાવ્યો. ભારતે અહીંયા જ જૈશ-એ-મહોમ્મદના સૌથી મોટા ટ્રેનિંગ કેમ્પ પર હુમલો કર્યો હતો. જો કે એર સ્ટ્રાઈક બાદ ઘણા દિવસો સુધી અહીંયા પત્રકારોના જવા પર રોક હતી. આ સાથે જ સ્થાનિક લોકોની ત્યાં અવર-જવર પણ બંધ હતી.

હવે 43 દિવસ બાદ પત્રકારો અને રાજનયિકોની ટીમ બાલાકોટના મદરેસા પહોંચી. પ્રાપ્ત વિગતો અનુસાર ટીમને એક હેલીકોપ્ટરમાં ઈસ્લામાબાદથી બાલાકોટના જાબા લઈ જવામાં આવ્યા. લીલાછમ વૃક્ષોથી ઘેરાયેલા એક પહાડ પર સ્થિત આ મદરેસા સુધી પહોંચવા માટે દોઢ કલાક સુધી ચાલીને જવું પડ્યું.

જ્યારે પત્રકારોનું સમૂહ મદરેસાની અંદર પહોંચ્યું તો, ત્યાં 12-13 વર્ષના આશરે 150 બાળકો ઉપસ્થિત હતા અને તેમને કુરાન ભણાવવામાં આવી રહી હતી. ટીમનો આ પ્રવાસ આશરે 20 મીનિટ સુધી ચાલ્યો અને તેમને ત્યાં ફોટો ક્લિક કરવાની મંજૂરી પણ આપવામાં આવી. આ દરમિયાન પત્રકારોએ કેટલાક ટીચરો સાથે પણ વાત કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પત્રકારોએ જ્યારે સ્થાનિય લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો તેમને કહેવામાં આવ્યું કે જલ્દી કરો… લાંબી વાત ન કરશો…

પાકિસ્તાની સેના અનુસાર પત્રકારોની ટીમ જ્યારે પહાડના રસ્તા પર જઈ રહી હતી ત્યારે તેમણે એક ઢાળ પર ખાડો પણ જોયો કે જ્યાં, ભારતીય વિમાનોએ બોમ્બ વરસાવ્યા હતા. સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે જણાવ્યું કે આ જૂનું મદરેસા છે અને પહેલાથી જ તે આવું હતું. 43 દિવસ બાદ પત્રકારોને લાવવાના સવાલ પર ગફૂરે જણાવ્યું કે અસ્થિર સ્થિતીએ લોકોને અહીંયા લાવવા મુશ્કેલ કરી દીધા હતા. હવે અમને લાગ્યું કે આ મીડિયાની ટુરના આયોજન માટે યોગ્ય સમય છે, એટલે અત્યારે અમે મીડિયાને અહીંયા લાવ્યા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]