ભારત સાથે મંત્રણા કરવાનો હવે કોઈ અર્થ જ નથીઃ ઈમરાન ખાન

ઈસ્લામાબાદ – પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે પાકિસ્તાન હવે ભારત સાથે કોઈ મંત્રણા નહીં કરે. ભારત સાથે ચર્ચા કરવાનો કોઈ અર્થ જ નથી.

ન્યુયોર્ક ટાઈમ્સમાં આજે પ્રકાશિત થયેલા ઈન્ટરવ્યૂમાં ઈમરાન ખાને કહ્યું છે કે ભારત સાથે મંત્રણા કરવાનો પાકિસ્તાનને હવે કોઈ રસ રહ્યો નથી. એમની સાથે ચર્ચા કરવાનો કોઈ અર્થ જ નથી. મારો કહેવાનો મતલબ છે કે મેં બધી ચર્ચા કરી લીધી છે. કમનસીબે, હવે જ્યારે હું ભૂતકાળ પર નજર કરું છું તો મને લાગે છે કે મેં શાંતિ અને મંત્રણા વિશે જે કંઈ પ્રયાસો કર્યા હતા એને એ લોકોએ મજાકના અર્થમાં લીધાં છે. આનાથી વધારે અમે કંઈ કરી શકીએ એમ નથી.

જમ્મુ અને કશ્મીર રાજ્યની પુનર્રચના કરવાના ભારત સરકારના નિર્ણયને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસી ગયા છે. એ તંગદિલીનો અંત લાવવા માટે ભારત સાથે દ્વિપક્ષી રીતે ચર્ચા કરવાની દુનિયાના અનેક દેશોના નેતાઓએ પાકિસ્તાનને સલાહ આપી છે. ભારતે વારંવાર સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સરકાર ભારતવિરોધી ત્રાસવાદી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાનું બંધ કરશે તો જ એની સાથે શાંતિમંત્રણા કરવાનું શક્ય બનશે.

ઈમરાન આ સંદર્ભમાં અમેરિકાનો ટેકો મેળવવામાં પણ નિષ્ફળ ગયા છે. તેઓ ગયા મહિને વોશિંગ્ટનની મુલાકાતે ગયા હતા, પણ ભારત વિરુદ્ધ એમણે ઉઠાવેલા અવાજને અમેરિકાનો ટેકો મળ્યો નહોતો. એમણે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મિત્રતા કરી લીધી, પણ ટ્રમ્પને ભારતવિરોધી વલણ અપનાવવામાં એ નિષ્ફળ ગયા. ટ્રમ્પે સ્પષ્ટપણે કહી દીધું હતું કે કશ્મીરનો પ્રશ્ન ભારત અને પાકિસ્તાને આપસમાં ચર્ચા કરીને ઉકેલવો જોઈએ.

તાજેતરમાં ફ્રાન્સ અને સ્વીડને પણ પાકિસ્તાનને સલાહ આપી હતી કે તે ભારત સાથે મંત્રણા કરે.

કશ્મીરને લગતી 370મી બંધારણીય કલમને ભારત સરકારે નાબૂદ કરતાં ભડકી ગયેલા પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની સુરક્ષા પરિષદમાં લેખિત ફરિયાદ કરી હતી અને એ માટે ચીનની મદદ માગી હતી. પરંતુ પરિષદમાં પાંચ કાયમી સભ્યદેશોમાંથી ચાર દેશોએ ભારતના નિર્ણય વિરુદ્ધ પાકિસ્તાનની દલીલોને ટેકો આપ્યો નહોતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]