અમેરિકાએ કરી પાકિસ્તાની રાજદ્વારીઓ પર નવા પ્રતિબંધની તૈયારી

વોશિંગ્ટન- પાકિસ્તાનમાં અમેરિકન રાજદ્વારીની લેન્ડ ક્રૂઝરને નડેલા માર્ગ અકસ્માત બાદ ઉભા થયેલા તણાવના પગલે હવે અમેરિકાએ વોશિંગ્ટનમાં રહેતા પાકિસ્તાની રાજદ્વારીઓ પર નવા પ્રતિબંધો લગાવવા તૈયારી શરુ કરી દીધી છે. અમેરિકન પ્રશાસને કથિત રીતે નવો કોડ ઓફ કંડક્ટ તૈયાર કર્યો છે. જે પ્રમાણે પાકિસ્તાની રાજદ્વારીઓને 40 કિલોમીટરના વિસ્તારમાં જ મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવશે.અમેરિકન અખબારના જણાવ્યા મુજબ નવા પ્રતિબંધ આગામી મે મહિનાથી લાગુ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ નવા પ્રતિબંધના સંદર્ભમાં પાકિસ્તાની એમ્બસી ઉપરાંત અન્ય ચાર વાણિજ્ય દૂતાવાસોમાં કામ કરનારા રાજદ્વારીઓને પણ આ અંગે નોટિસ ઈશ્યૂ કરવામાં આવી છે.

નવા નિયમો પ્રમાણે પાકિસ્તાની ડિપ્લોમેટિક સ્ટાફ માટે 40 કિલોમીટરથી વધુનો પ્રવાસ કરતાં પહેલાં અમેરિકન પ્રશાસનની પરવાનગી લેવી અનિવાર્ય રહેશે. એટલું જ નહીં તેમના માટે વાણિજ્ય દૂતાવાસથી 20 માઈલના અંતરમાં ઘર લેવાનું અનિવાર્ય કરવામાં આવ્યું છે.

આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં અમેરિકાના રાજદૂત કર્નલ જોસેફ ઈમેનુલ હોલની કાર સાથે ટકરાઈને એક બાઈક ચાલકનું મોત થયા બાદ જોસેફ ઈમેનુલને નો ફ્લાય લિસ્ટમાં મુકવાની તૈયારી કરવામાં આવી રહી છે. ઉપરાંત કર્નલ હોલ ઉપર ક્રિમિનલ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. જોકે રાજદ્વારીને તેમના પદ અને પ્રતિષ્ઠાને કારણે કસ્ટડીમાં લેવામાં નથી આવ્યા. આ ઘટના બાદથી બન્ને દેશો વચ્ચે નવા રાજકીય તણાવની શરુઆત થઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]