J&K: રાજ્યપાલ શાસનથી પાકિસ્તાન ભડક્યું, કહ્યું ‘ભારતની નવી ચાલ’

ઈસ્લામાબાદ- જમ્મુ અને કશ્મીરમાં લાગૂ કરવામાં આવેલા રાજ્યપાલ શાસન અંગે પાકિસ્તાન તરફથી પ્રથમ વખત સત્તાવાર પ્રતિક્રિયા આપીને નિવેદન જારી કરવામાં આવ્યું છે. જમ્મુ-કશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગૂ કરવા અંગે પાકિસ્તાને ભારતની કેન્દ્ર સરકારની નવી ચાલ ગણાવી છે. વધુમાં પાકિસ્તાને જણાવ્યું કે, જમ્મુ-કશ્મીરના ઘટનાક્રમ પર પાકિસ્તાન નજર રાખી રહ્યું છે.પકિસ્તાન તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ‘કશ્મીરમાં ચાલી રહેલા ઘટનાક્રમ પર પાકિસ્તાનની નજર છે. અને જ્યાં સુધી રાજ્યપાલ શાસનની વાત છે તો એ વિતેલા અનુભવોથી સ્પષ્ટ થાય છે કે, નવી દિલ્હી દ્વારા કશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગૂ કરવું એ ભારત સરાકરની પૂર્વયોજીત ચાલ છે. પાકિસ્તાને આરોપ લગાવ્યો કે, ભારત કશ્મીરના લોકોની ઈચ્છાશક્તિનું દમન કરી રહ્યું છે’.

ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીએ 19 જૂને રાજ્યમાં PDP સરકારને આપેલો ટેકો પાછો ખેચી લીધો હતો. ત્યારબાદથી રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગૂ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, પાકિસ્તાન તરફથી કશ્મીર ઘાટીમાં અશાંતિ ફેલાવવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જેમાં સરહદ પારથી આતંકીઓને મદદ કરી ભારતમાં ઘુસાડવા અને કશ્મીરમાં પથ્થરબાજોને પણ પાકિસ્તાન દ્વારા સમર્થન આપવામાં આવે છે.