અબજો ઉધાર લઇ હરખાતું પાકિસ્તાન, પરંતુ કમરતોડ છે શરતો…

નવી દિલ્હીઃ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલાં પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષથી બેલ આઉટ પેકેજ મળવાની સાથે જ સામાન્ય રાહત તો મળી ગઈ છે પરંતુ આગળનો રસ્તો વધારે મુશ્કેલ થવાનો છે. ત્રણ મહિના સુધી ચાલેલી લાંબી વાર્તા બાદ IMF કડક શરતો સાથે પાકિસ્તાનને 6 અબજ ડોલરની આર્થિક મદદ આપવા માટે તૈયાર થયું છે. આ 22મી વાર છે કે જ્યારે પાકિસ્તાન આઈએમએફની શરણમાં જવા માટે મજબૂર થયું છે.

રિપોર્ટ્સ અનુસાર, આંતરરાષ્ટ્રીય સંસ્થાની પેકેજની શરતોથી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ નાખુશ છે, વિશેષજ્ઞો અનુસાર, પાવર ટેરિફમાં વધારો, ટેક્સ છૂટ ખતમ કરવા જેવી શરતોના કારણે પાકિસ્તાનના મધ્યમવર્ગ અને નિર્મવર્ગ પર જરુરિયાતથી વધારે બોજ પડશે, જેનાથી ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફની લોકપ્રિયતા છીનવાઈ શકે છે. IMF સાથે સમજુતી પર તૈયાર થતા પહેલા ઈમરાન ખાને શનિવારના રોજ આ ડીલ પર ચિંતા વ્યક્ત કરી હતી અને નાણામંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. જો કે પાકિસ્તાન પાસે આઈએએમએફની શરતો સામે ઝુકવા સીવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.

ગત વર્ષે જ્યારે ઈમરાન ખાન સત્તામાં આવ્યા હતા ત્યારે તેમની છબી આઈએએમએફના મોટા ટીકાકાર તરીકે હતી. પોતાના ચૂંટણી કેમ્પેનમાં તેમણે વાયદો કર્યો હતો કે તે આઈએમએફ પાસે મદદ માંગવા માટે નહી જાય, પરંતુ ઈમરાનને પોતાની પ્રતિજ્ઞા તોડવી પડી. ઈમરાને સામાજિક કલ્યાણના કાર્યક્રમોને પણ આગળ વધારવાનો વાયદો કર્યો હતો. જે વૈશ્વિક સંસ્થા આઈએમએફની મિતવ્યયિતાની શરતથી લગ હતું. જ્યારે આઈએમએફનું પેકેજ મળ્યા બાદ ઈમરાન ખાનને તે તમામ શરતો માનવી પડી છે, જેના તેઓ ક્યારેક વિરોધી હતા.

આઈએમએફે પાકિસ્તાનને પેકેજ આપવાની સાથે જ તેની સામે કડક શરતો અને અત્યંત મુશ્કેલ લક્ષ્ય રાખ્યા છે. વર્ષ 2019-20 માં રજુ કરવામાં આવનારું બજેટ પાકિસ્તાની અધિકારીઓની નાણાકિય રણનીતિની પ્રથમ અગ્નિ પરીક્ષા હશે. આ બજેટમાં રાજસ્વમાં વધારો, ટેક્સમાં આપવામાં આવી રહેલી છૂટમાં ઘટાડો, ટેક્સ પ્રશાસનિક વ્યવસ્થામાં સુધારા જેવા પગલાઓ દ્વારા પ્રાથમિક ખોટ જીડીપીની 0.6 ટકા કરવાનું લક્ષ્ય પૂરુ કરવાનું હશે. આ સાથે જ પાકિસ્તાને પોતાના ખર્ચમાં લગામ લગાવવી પડશે.

આઈએમએફે આગળ કહ્યું છે કે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન મોંઘવારી ઘટાડવા અને નાણાકિય સ્થિરતાની સુરક્ષા કરવા પર જોર આપશે જેથી ગરીબો પ્રભાવિત ન થાય. બંન્ને પક્ષોએ આવતા નાણાકીય વર્ષ 2019-20 માં 11 અબજ ડોલરના નાણાકિય ફરકને ઓછો કરવા માટે સહમતી દર્શાવી છે. આના માટે સરકાર 2019-20 ના બજેટમાં આશરે 350 અબજ રુપિયા સુધીના કરની છુટ ખતમ કરવાનું પગલું ભરશે.

પાકિસ્તાનને આગલા બજેટમાં વિજળી અને ગેસની કીંમતમાં વધારો કરવાની શરત પણ માનવી પડી છે. પ્રાપ્ત વિગતો અનુસાર સરકારને સબસીડી ઘટાડવી પડશે અને માત્ર ઉર્જા ક્ષેત્રના જ ઉપભોક્તાઓથી 340 અબજ રુપિયા વસુલવા પડશે. પાકિસ્તાનની નિયામક સંસ્થા નેશનલ ઈલેકટ્રિક પાવર રેગ્યુલેટરી ઓથોરિટીને સ્વાયત્ત સંસ્થા બનાવી દેવામાં આવશે અને તેના મહત્વપૂર્ણ નિર્ણયોમાં પાકિસ્તાનની સરકારની ભૂમિકાને સીમિત કરી દેવામાં આવશે.

સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનને સ્વતંત્ર રીતે વિનિમય દરના નિયમનનો અધિકાર હશે અને અમેરિકી ડોલરના દર સરકારના કોઈપણ દબાણ વિના નક્કી થશે. આનો અર્થ એ છે કે સરકાર પાકિસ્તાની રુપિયાના અવમૂલ્યનની મંજૂરી આપી શકે છે અને 2019માં વ્યાજદરોમાં વધારો થઈ શકે છે.

પાકિસ્તાની મીડિયામાં IMF ડીલની શરતોને લઈને ખલબલી મચી છે. પાકિસ્તાનના સમાચાર પત્ર ધ ન્યૂઝ ઈન્ટરનેશનલે લખ્યું છે કે આઈએમએફ સુધી પહોંચવામાં મોડુ થવાનું કારણે નીતિનિર્માતાઓ માટે પોતાની શરતો પર પેકેજ લેવું મુશ્કેલ થઈ ગયું છે.

આઈએમએફની શરતો અંતર્ગત હવે પાકિસ્તાનને 700 અબજ સુધીનો વધારે કર ભેગો કરવા, વિજળી ટેરિફ વધારવા જેવા મુશ્કેલીભર્યા પગલા ભરવા પડશે. પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાનના અધિકારીઓએ IMF ડીલ ફાઈનલ કરાવવા માટે અલગ-અલગ આંતરરાષ્ટ્રી શક્તિઓ જેવી કે યૂએસ અને ચીનને પણ ભલામણ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર IMF ડીલ અત્યાર સુધીની સૌથી કડક શરતો સાથે કરવામાં આવી છે અને જો પાકિસ્તાન સંસ્થાની શરતોને પૂરી કરવામાં સફળ ન થઈ શકે તો તે સંસ્થાની વિશ્વસનીયતાની યાદીમાં એક – બે નંબર નીચે આવી શકે છે. સમજૂતીનો ભાગ રહેલા એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે આઈએમએફના કર્મચારીએ શરુઆતી મીટિંગમાં નરમ વલણ અપનાવી રહ્યા હતા, પરંતુ ત્યારબાદ તેઓ એવી કડક શરતો લઈને આવ્યા જે ઘણા મોરચા પર અસ્વીકાર્ય લાગી રહી હતી.

અધિકારીએ જણાવ્યું કે આવતા બજેટમાં વ્યયમાં ઘટાડો અને રાજસ્વમાં વધારા દ્વારા જીડીપીના 2.6 ટકાના બરાબર એટલે કે 1120 અબજ રુપિયાનો નાણાકીય પ્રબંધ કરવાનો સમાવેશ થાય છે. આનો અર્થ એ છે કે સરકાર પર 600 થી 700 અબજ રુપિયાનું વધારે રાજસ્વ એકત્ર કરવાનો ગંભીર પડકાર હશે.

પાકિસ્તાનની મુસ્લિમ લીગ નવાઝ અને પાકિસ્તાનની પીપલ્સ પાર્ટીના નેતાઓમાં બેલ આઉટ સમજૂતીની આલોચના કરી છે. વિપક્ષી દળના નેતાઓએ સંસ્થાની ઋણની શરતો વચ્ચે મોંઘવારી વધારવા અને ધીમી આર્થિક વૃદ્ધિ જેવી આશંકાઓ વ્યક્ત કરી છે. પીએમએલ-એનના પ્રવક્તા મુરિયમ ઓરંગઝેબે કહ્યું કે આઈએમએફ સાથે 6 અબજ ડોલરની ડીલ પર રાજી થવા કરતા સારુ હતું કે વડાપ્રધાન ઈમરાન ખાને આત્મહત્યા કરી લીધી હોત.

ટ્વિટર પર ઓરંગઝેબે સીધા જ ઈમરાન ખાનને સંબોધિત કરતા કહ્યું, ઈમરાન સાહેબ આપની અક્ષમતા અને દ્રષ્ટીકોણે દેશને આઈએમએફના હેંગર બનાવી દીધું છે. તમે 6 અબજ ડોલર માટે દેશને આઈએમએફના હાથોમાં સોંપી દીધો.

તેમણે આગળ લખ્યું કે પાકિસ્તાનની આઈએમએફ સાથે ડીલ સફળ થઈ ગઈ અને હવે પાકિસ્તાનની જનતા પર મોંઘવારીનો બોંબ ફૂટવાનો છે. ગરીબોને મળનારી રાહત ઓછી થવાની છે અને ગેસ-વીજળી-અને ફૂડના ભાવ વધવાના છે.

પૂર્વ નાણાકીય અને આર્થિક મંત્રાલયમાં કેન્દ્રીય પ્રધાન રહી ચૂકેલા મિફ્તાહ ઈસ્માઈલે પણ સંસ્થાની શરતો પર ટ્વિટ્ની એક આખી સીરીઝમાં પોતાની ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આઈએમએફે મની લોન્ડ્રિંગ અને આતંકવાદનો પણ ઉલ્લેખ કર્યો, જેનાથી સ્પષ્ટ છે કે આઈએમએફ સંસ્થા FATF ના નિર્ણયો પર પણ વિચાર કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]