પાકિસ્તાનમાં સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે રાષ્ટ્રપતિ ચૂંટણી, તૈયારીઓ શરુ

ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં ગત 25 જુલાઈના રોજ સામાન્ય ચૂંટણી યોજાઈ ગઈ. દેશને હજી નવા વડાપ્રધાન પણ મળ્યા નથી. આ દરમિયાન પાડોશી દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ શરુ થઈ ગઈ છે.મળતી માહિતી મુજબ પાકિસ્તાનમાં સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજવામાં આવી શકે છે. આ માટે પાકિસ્તાન ચૂંટણી પંચે તૈયારીઓ શરુ કરી દીધી છે. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનના વર્તમાન રાષ્ટ્રપતિ મમનૂન હુસૈનના પાંચ વર્ષનો કાર્યકાળ 8મી સપ્ટેમ્બરના રોજ પૂરો થશે.

પાકિસ્તાનના બંધારણ અનુસાર રાષ્ટ્રપતિ પદ માટેની પરોક્ષ ચૂંટણી વર્તમાન રાષ્ટ્રપતિની મુદત પૂરી થયાના 30 દિવસથી વધારે મોડી અને 60 દિવસથી વધુ પહેલાના સમય સુધી યોજી શકાતી નથી. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી નેશનલ એસેમ્બલીના વિઘટનને કારણે જો યોજી શકાય તેમ નહોય તો તેને સામાન્ય ચૂંટણીના 30 દિવસની અંદર યોજાવી જોઈએ.

પાકિસ્તાન ચૂંટણી પંચ મતદાર યાદી પૂર્ણ કરાયા બાદ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અંતિમ કાર્યક્રમ જારી કરશે. મતદાર યાદીમાં નેશનલ અને પ્રાંતીય એસેમ્બલીમાં ચૂંટાયેલા સદસ્યોના નામનો સમાવેશ કરવામાં આવશે. જે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મત આપશે. પાકિસ્તાનમાં ગત 25 જુલાઈના રોજ સામાન્ય ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું.