PoKમાં અબ્દુલ્લાના પાકિસ્તાનનો ‘ઐયાશી ટેક્સ’, 7 દિવસથી બજારો બંધ

ઈસ્લામાબાદ- જગ્ગા ટેક્સ, બદમાશી ટેક્સ, અય્યાશી ટેક્સ… આ બધા નામ PoKની જનતાએ આપેલા નામ છે. PoKના ગિલગિટ અને બાલિસ્તાનમાં સ્થાનિક જનતા પાસેથી પ્રશાસન દ્વારા જબરજસ્તીથી મનફાવે તેમ ટેક્સ વસુલવામાં આવે છે. જેના વિરોધમાં ગત સપ્તાહથી ગિલગિટ અને બાલિસ્તાન વિસ્તારમાં બંધનો માહોલ જોવા મળ્યો છે. દુકાનો અને સ્કુલ બંધ છે અને પ્રશાસન દ્વારા કરવામાં આવતી લૂંટના વિરોધમાં લોકોમાં વિરોધની લાગણી વધી રહી છે.

PoKમાં અબ્દુલ્લાના પાકિસ્તાનનો ‘ઐયાશી ટેક્સ’

જમ્મુ-કશ્મીરના પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લા જે ઘણા દિવસોથી PoK ભારતનું નહીં હોવાનો રાગ આલાપી રહ્યા છે, શું તે આ મુદ્દે કંઈ બોલવાની હિમ્મત કરશે ખરા? ફારુક અબ્દુલ્લા ભારતને જણાવી રહ્યા છે કે, પાકિસ્તાન એક પરમાણુ સંપન્ન દેશ છે. PoK પર ભારતે પોતાના હકની વાત કરવી જોઈએ નહીં. ફારુક અબ્દુલ્લા પાકિસ્તાનનો રાગ કદાચ એટલા માટે આલાપતા હશે કારણકે તેમના પ્રિય પાકિસ્તાનીઓને PoKમાં મનફાવે તેમ લૂટ મચાવવાની ખુલી છૂટ મળી છે.

આપને જણાવી દઈએ કે, ફારુક અબ્દુલ્લા ભારતમાં રહીને અવારનવાર પાકિસ્તનના ગુણગાન કરી રહ્યા છે અને પાકિસ્તાને બંગડી નહીં પહેરી હોવાની વાત જણાવી ભારતને પાકિસ્તાનનો ડર બતાવી રહ્યા છે, એજ પાકિસ્તાને PoKની હાલત નર્કથી પણ બદતર કરી છે. જેના લીધે PoKમાં સ્કુલ અને બજારો છેલ્લા સાત દિવસથી બંધ છે.

જોકે PoKની આ દશા છેલ્લા સાત દિવસની નહીં પરંતુ છેલ્લા સાત દશકથી થતી આવી છે.જ્યારથી પાકિસ્તાને ભારતના આ ભૂભાગ પર ગેરકાયદે હક જમાવ્યા છે. ગિલગિટ અને બાલિસ્તાનમાં પાકિસ્તાન સંચાલિત રિમોટ કન્ટ્રોલવાળી સરકાર છે, જે PoKની જનતાનો પૈસો લૂંટીને પાકિસ્તાન સરકારના ખિસ્સા ભરી રહી છે.