હાફિઝ ‘સાહેબ’ પર કોઈ કેસ નથી: પાકિસ્તાની PMનું નિવેદન

ઈસ્લામાબાદ- પાકિસ્તાનનો આતંક પ્રેમ ફરી એકવાર વિશ્વ સામે ખુલ્લો પડી ગયો છે. પાકિસ્તાનના પીએમ શાહિદ અબ્બાસીએ એક ઈન્ટરવ્યૂમાં મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદને ‘સાહેબ’ કહીને સંબોધન કર્યું હતું. અબ્બાસીએ વધુમાં જણાવ્યું કે, હાફિઝ સાહેબ વિરુદ્ધ કોઈ જ કેસ નથી. આપને જણાવી દઈએ કે, હાફિઝ વિરુદ્ધ અમેરિકાના કડક વલણ છતાં પાકિસ્તાને હાફિઝ સઈદને નજર કેદમાંથી મુક્ત કર્યો હતો.

ઈન્ટરવ્યૂમાં પાકિસ્તાનના વડાપ્રધાને ભારત અંગેનો તેનો દ્રષ્ટિકોણ પણ રજૂ કર્યો હતો. તેણે કહ્યું કે, ‘ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની કોઈ જ શક્યાતા મને જણાતી નથી’. અમે ભારત સાથે વાતચીત કરવા હંમેશા તૈયાર છીએ. CPEC પ્રોજેક્ટ અંગે પાક. પીએમે કહ્યું કે, આ પ્રોજેક્ટ પાકિસ્તાન અને ચીનનો પ્રોજેક્ટ છે. ભારત તેમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે.

પાકિસ્તાનની ન્યૂઝ ચેલને આપેલા ઈન્ટરવ્યૂમાં શાહિદ અબ્બાસીએ જણાવ્યું કે, ગ્વાદર પોર્ટ એક વ્યાવસાયિક પોર્ટ છે, જેનો યોગ્ય ઉપયોગ પાકિસ્તાન કરી રહ્યું છે. વધુમાં અબ્બાસીએ કહ્યું કે, હવે વધુ કડક નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. અમેરિકા દ્વારા સૈન્ય સહાય પર પ્રતિબંધ મુકવા અંગે અબ્બાસીએ કહ્યું કે, અમેરિકા સાથે આ અંગે અમારી વાત ચાલી રહી છે. અબ્બાસીએ કહ્યું કે, પાકિસ્તાનનું લક્ષ્ય તેની સરહદોની સુરક્ષા કરવાનું છે. જો અમારા પર કોઈપણ પ્રકારનો હુમલો કરવામાં આવશે તો અમે તેનો યોગ્ય જવાબ આપશું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]