કુલભૂષણ જાધવ માટે ભારતને સોમવારે કોન્સ્યૂલર એક્સેસ આપવાની પાકિસ્તાને ઓફર કરી

ઈસ્લામાબાદ – પાકિસ્તાન સરકારે આજે કહ્યું છે કે તે ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને આવતીકાલે કોન્સ્યૂલર એક્સેસ આપવા તૈયાર છે, પરંતુ ભારતના વિદેશ મંત્રાલયે હજી આ ઓફરનો જવાબ આપ્યો નથી.

પાકિસ્તાનની મિલિટરી અદાલતે જાધવને કથિતપણે જાસૂસી કરવા અને ત્રાસવાદી પ્રવૃત્તિ કરવાના આરોપસર મોતની સજા ફરમાવી છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આજે કરેલા એક ટ્વીટમાં જણાવાયું છે કે કુલભૂષણ જાધવ માટે ભારતને આવતીકાલે કોન્સ્યૂલર એક્સેસ આપવામાં આવશે. આ કોન્સ્યૂલર એક્સેસ રાજદ્વારી સંબંધો અંગે વિએના સંમેલનમાં થયેલી વૈશ્વિક સમજૂતી અનુસાર, ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના ચુકાદા તથા પાકિસ્તાનના કાયદાને અનુરૂપ રહેશે.

પાકિસ્તાને કહ્યું છે કે તે સોમવારે બપોરે 12 વાગ્યાથી બે કલાક માટે જાધવ માટે કોન્સ્યૂલર એક્સેસ આપશે. જોકે એ માટેની શરતોની તેણે જાહેરાત કરી નથી.

પાકિસ્તાને કહ્યું છે કે તે સોમવારે બપોરે 12 વાગ્યાથી બે કલાક માટે જાધવ માટે કોન્સ્યૂલર એક્સેસ આપશે. જોકે એ માટેની શરતોની તેણે જાહેરાત કરી નથી.

પાકિસ્તાન ભલે તૈયાર થયું છે, પરંતુ જો જાધવ સાથેની મુલાકાત કોઈ પાકિસ્તાનીની હાજરીમાં કે કેમેરા ફિટ કરેલી રૂમમાં કરવા દેવામાં આવશે તો એનો કોઈ મતલબ નહીં રહે, કારણ કે ભારત અગાઉ જ કહી ચૂક્યું છે કે કોન્સ્યૂલર એક્સેસ મુક્ત વાતાવરણમાં અને કોઈ પ્રકારની ધાકધમકીનો ડર કે વૈમનસ્ય હોવું ન જોઈએ.

49 વર્ષીય જાધવને આ પહેલી જ વાર કોન્સ્યૂલર એક્સેસ આપવામાં આવ્યો છે. એમને 2017માં પાકિસ્તાનની કોર્ટે મોતની સજા ફરમાવી હતી.

અનેક વાર વિનંતી કરવા છતાં જાધવ માટે પાકિસ્તાન સરકારે કોન્સ્યૂલર એક્સેસ ન આપતાં ભારતે આખરે હેગ સ્થિત ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના દ્વાર ખખડાવ્યા હતા.

ગયા જુલાઈમાં કરેલી સુનાવણી વખતે કોર્ટે પાકિસ્તાનને કહ્યું હતું કે જ્યાં સુધી આ કેસમાં પોતે આખરી ચુકાદો ન આપે ત્યાં સુધી એણે જાધવની સજાનો અમલ મોકૂફ રાખવો.

કોર્ટે પાકિસ્તાન સરકારને આદેશ પણ આપ્યો હતો કે એણે જાધવ પરના અપરાધ અને સજા વિશે ફેરવિચારણા કરવી અને વધુ વિલંબ કર્યા વિના ભારતને કોન્સ્યૂલર એક્સેસ આપવો.

જાધવ માટે ભારતને કોન્સ્યૂલર એક્સેસ ન આપીને પાકિસ્તાને વિએના સમજૂતીનો ભંગ કર્યો હોવાના ભારતના દાવાને આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે માન્ય રાખ્યો હતો.