પાકિસ્તાન: સામાન્ય ચૂંટણી પહેલાં NSA નસીર જંજુઆએ આપ્યું રાજીનામું

ઈસ્લામાબાદ- પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર લેફ્ટનેન્ટ જનરલ નસીર જંજુઆએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. પાકિસ્તાનમાં આગામી 25 જુલાઈના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલાં કાર્યવાહક સરકારે કાર્યભાર પુરીરીતે સંભાળી લીધો છે. જેના લીધે નસીર જંજુઆએ તેમના પદેથી રાજીનામું આપ્યું છે.નસીર જંજુઆએ 23 ઓક્ટોબર 2015ના રોજ સરતાજ અઝીઝની જગ્યાએ પદભાર સંભાળ્યો હતો. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા મુજબ નસીર જંજુઆ એવા બીજા વ્યક્તિ હતા જેમણે સેનામાં રહેવા છતાં NSAની જવાબદારી સંભાળી હતી. તેમની પહેલા મહમૂદ દુર્રાનીએ સેનામાં પદ સંભાળવાની સાથેસાથે NSAની જવાબદારી પણ સ્વીકારી હતી.

આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં આગામી 25 જુલાઈના રોજ સામાન્ય ચૂંટણી યોજાશે. જે પહેલાં પાકિસ્તાનના પૂર્વ મુખ્ય ન્યાયાધિશ નસીરુલ મુલ્કને બે મહિના માટે વચગાળાના વડાપ્રધાનની જવાબદારી સોંપવામાં આવી છે. NSA નસીર જંજુઆ પહેલાં વડાપ્રધાન શાહિદ અબ્બાસીએ પણ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની વર્તમાન સરકારનો કાર્યકાળ 31 મેના રોજ પૂરો થયો હતો.

પાકિસ્તાનના બંધારણ મુજબ સરકારનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ 60 દિવસની અંદર ચૂંટણી યોજવાની હોય છે. સંસદીય ચૂંટણી ઉપરાંત સિંધ, ખૈબર, પખ્તૂન ખ્વાહ અને બલૂચિસ્તાન પ્રાંતની સરકારનો કાર્યકાળ 28 મેના રોજ પુરો થયો છે.

પાકિસ્તાનની સંસદમાં વડાપ્રધાન અને નેતા વિપક્ષની સલાહથી કાર્યવાહક પીએમની નિમણૂક કરવામાં આવે છે. બન્ને પક્ષ તરફથી ત્રણ-ત્રણ નામની ભલામણ કરવામાં આવે છે. જેમાંથી સર્વમાન્ય ઉમેદવારની નિમણૂક કાર્યવાહક પીએમ તરીકે કરવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]