જેલમાંથી મુક્ત થયેલા નવાઝ શરીફ રાજકારણમાં પાછા કેવી રીતે આવશે?

ઈસ્લામાબાદ- પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ, તેમની પુત્રી અને જમાઈને સજામાં રાહત મળી છે. કોર્ટે તેમને રાહત આપતાં તેમની સજા સ્થગિત કરી છે. પરંતુ ચર્ચાનો મુદ્દો એ છે કે, શું નવાઝ શરીફના પાકિસ્તાનના રાજકારણમાં સક્રિય થવાની કોઈ શક્યતા છે કે નહીં?ઉલ્લેખનીય છે કે, નવાઝ શરીફ સહિતના લોકોની સજા હાલમાં ફક્ત સ્થિગત કરવામાં આવી છે. તેમને નિર્દોષ સાબિત થવા હજી કાયદાકીય લડાઈ લડવી પડશે. ઈસ્લામાબાદ હાઈકોર્ટ તેમને પુરાવાના અભાવમાં જામીન પર મુક્ત કર્યા છે.

ભ્રષ્ટાચારના આરોપમાં નવાઝ શરીફને 10 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. દીકરી મરિયમ અને જમાઈ સાથે નવાઝ શરીફ જ્યારે પાકિસ્તાન પરત ફર્યા ત્યારે તેમને ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. હાલમાં પણ શરીફ ઉપર 10 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે.

માનવામાં આવી રહ્યું છે કે, જામીન પર છુટેલા નવાઝ શરીફ હવે તેમને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરેલા ચુકાદાને પણ પડકારશે. અને પાકિસ્તાનના રાજકારણમાં નવી રાજકીય ઈનિંગની શરુઆત કરી શકે છે. જોકે કાયદાની આંટીઘૂંટી અને પાર્ટી સંગઠનને લઈને પણ નવાઝ સામે અનેક પડકાર રહેલા છે.

નવાઝ શરીફ ત્રણ વખત પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા છતાં એક પણ વખત તેમનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નહતા. પ્રથમ વખત પાકિસ્તાની આર્મીએ તત્કાલિન રાષ્ટ્રપતિ ગુલામ ઈશાક ખાનને આગળ કરીને નવાઝને સત્તા પરથી ઉતારી મુક્યા હતા. બીજીવાર તેમના જ વિશ્વાસુ પરવેઝ મુશર્રફે તેમને પીએમ પદથી ઉતારવામાં ભાગ ભજવ્યો અને ત્રીજી વખત નવાઝ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી તેમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા.

જોકે, હવે જેલમાંથી છુટેલા નવાઝ શરીફ અને તેમનો પરિવાર રાહતનો શ્વાસ લઈ રહ્યો હશે. જેલમાંથી છુટ્યા બાદ નવાઝ શરીફે અલ્લાહનો આભાર વ્યક્ત કર્યો અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તેઓ નિર્દોષ છે તે સાબિત કરશે.