પાકિસ્તાનઃ સેનાના રાષ્ટ્રીય મુખ્યાલય પાસે પત્રકારની ગોળી મારી હત્યા

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ઉચ્ચ સુરક્ષા વિસ્તારમાં અજ્ઞાત હુમલાખોરો દ્વારા એક પત્રકારની હત્યા કરાયા બાદ  સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠવા લાગ્યાં છે. પાકિસ્તાનના રાવલપિંડીના એક હાઈ સીક્યુરિટી એરિયામાં હુમલાખોરોએ એક પત્રકારની ગોળી મારીને હત્યા કરી દીધી. પોલીસે જણાવ્યું કે આ પત્રકાર ગુરુવારે મોડી રાત્રે પોતાના બાઈકથી ઘરે જઈ રહ્યાં હતાં તે સમયે હુમલાખોરોએ તેમનો પીછો કર્યો અને તેમના પર ગોળી ચલાવી. પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના બેંક રોડ પર ઘટી છે જે પાકિસ્તાની સેનાના રાષ્ટ્રીય મુખ્યાલયથી થોડે જ દૂર સ્થિત છે.

પત્રકારના ગળા, ગરદન અને ધડના ભાગે 6 જેટલી ગોળીઓ મારવામાં આવી જેના કારણે તેમનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. ત્યારબાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. પત્રકારના સંબંધી મહેમૂદે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે રાજા નામના આ પત્રકારને પાંચ વર્ષનો એક દીકરો છે અને તેઓ સવારના સમયે એક શાળા શિક્ષક તરીકે ફરજ બજાવતાં હતાં અને સાંજના સમયે ઈસ્લામાબાદના એક ઉર્દૂ સમાચાર પત્રમાં સબ એડિટરના પદ પર કામ કરતાં હતાં.

મહેમૂદે વધુમાં જણાવ્યું કે અમે એ વાતને લઈને અચંબિત છીએ કે આ પ્રકારના હાઈ સીક્યોરિટી વિસ્તારમાં હુમલાખોરો આ કામને અંજામ કેવી રીતે આપી શકે. પ્રાપ્ત માહિતી અનુસાર પત્રકાર સમુદાયે પણ હત્યાની નિંદા કરતા હુમલાખોરોની તાત્કાલીક ધરપકડ કરવામાં આવે તેવી માગ કરી છે. તો આ સીવાય તેમણે તમામ પત્રકારોની સુરક્ષાની પણ માગણી કરી છે અને સાથે જ જો હુમલાખોરોની ધરપકડ ન કરવામાં આવી તો વિરોધ પ્રદર્શનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.