પાકિસ્તાનનો આરોપ: CPEC પર હુમલો કરી શકે છે ભારત

ઈસ્લામાબાદ- પાકિસ્તાન આતંકવાદને સમર્થન કરી રહ્યું હોવાની વાત અનેકવાર સામે આવી હોવા છતાં ‘ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે’ જેવો ઘાટ સર્જાયો છે. પાકિસ્તાને ભારત પર આરોપ લગાવ્યો છે કે, ભારત પાકિસ્તાનમાં આતંકી હુમલો કરાવી શકે છે.પાકિસ્તાનના આંતરિક સુરક્ષા મામલાના મંત્રાલયે ગિલગિટ-બાલીસ્તાન સરકારને પત્ર લખીને આશંકા વ્યક્ત કરી છે કે, અબજો રુપિયાના ખર્ચે નિર્માણાધીન ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) પર ભારત આક્રમણ કરી તેને નુકશાન પહોંચાડી શકે છે.

પાકિસ્તાનના આંતરિક સુરક્ષા મંત્રાલયે આ બાબતે ફૂલપ્રૂફ સુરક્ષા કરવાના પણ નિર્દેશ જારી કર્યા છે. જેથી કોઈ પણ અનિચ્છનિય પ્રવૃત્તિ અટકાવી શકાય. પાકિસ્તાનના સરકારી અખબારે આ અંગે જણાવ્યું છે કે, ગત 28 જાન્યુઆરીના રોજ પાકિસ્તાનના આંતરિક સુરક્ષા મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતના 400 મુસ્લિમ યુવકો અફઘાનિસ્તાનમાં આતંકી તાલિમ લઈ રહ્યાં છે. જે CPEC પર હુમલો કરી શકે છે. આ પત્રમાં CPEC ઉપરાંત કારાકોરમ હાઈવે ઉપર પણ આતંકી હુમલાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

કેન્દ્રીય આંતરિક સુરક્ષા મંત્રાલય દ્વારા નિર્દેશ મળ્યા બાદ ગિલગિટ-બાલીસ્તાન સરકારે CPEC રુટ અને કારાકોરમ હાઈવેનું નિરીક્ષણ કર્યું હતું અને તેની સુરક્ષા વધારી છે. જેમાં આશરે 20થી વધુ રોડ બ્રિજ પર સુરક્ષા વધારવામાં આવી છે. પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું છે કે, CPEC અને કારાકોરમ હાઈવે ઘણા સંવેદનશીલ વિસ્તાર છે જેથી તેની સુરક્ષામાં કોઈ પણ કચાશ રાખી શકાય નહીં.