પાકિસ્તાનમાં અપક્ષ ઉમેદવારે જાહેર કરી 400 અબજની અધધધ સંપત્તિ

ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પંજાબ પ્રાંતમાંથી ચૂંટણી લડી રહેલા એક અપક્ષ ઉમેદવારે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. ઉમેદવારે ચૂંટણી અંગેના ઉમેદવારી ફોર્મમાં પોતાની પાસે 403 અબજ પાકિસ્તાની રુપિયાની સંપત્તિ હોવાની જાહેરાત કરી છે.પાકિસ્તાનના અગ્રણી અખબારના જણાવ્યા અનુસાર મુઝફ્ફરગઢમાં એનએ-182 અને પીપી-270 બેઠક પરથી ચૂંટણા લડી રહેલા મોહમ્મદ હુસૈન શેખ નામના ઉમેદવારે દાવો કર્યો છે કે, તેની પાસે લંગ મલાના, તલીરી, ચક તલીરી અને લટકારન વિસ્તારની સાથે-સાથે મુઝફ્ફરગઢમાં આશરે 40 ટકા જમીન તેની માલિકીની છે.

અખબારના જણાવ્યા મુજબ એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ જમીન પહેલા વિવાદીત હતી. પરંતુ સુપ્રીમ કોર્ટ ઓફ પાકિસ્તાનના પ્રધાન ન્યાયાધિશ ફૈસલ અરબ અને ન્યાયાધિશ ઉમર અટ્ટા બાંદિયાલની સંયુક્ત પીઠે હાલમાં જ આ મામલે મોહમ્મદ હુસૈન શેખના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. આ કેસ આઝાદી પહેલાનો એટલે કે 88 વર્ષથી સાલી રહ્યો હોવાનું મોહમ્મદ હુસૈન શેખે જણાવ્યું છે.

શેખે જણાવ્યું કે, તેની પાસે જે જમીન છે તેની અંદાજીત કીમત 403.11 અબજ પાકિસ્તાની રુપિયા જેટલી થાય છે. મોહમ્મદ શેખે ચૂંટણી માટે જે ઉમેદવારી પત્ર દાખલ કર્યું છે તેમાં પણ જમીનની કીમત 300થી 400 અબજ પાકિસ્તાની રુપિયા દર્શાવવામાં આવી છે. પાકિસ્તાન ચૂંટણી પંચને અત્યાર સુધી જે ઉમેદવારી પત્રો મળ્યાં છે તે મુજબ મોહમ્મદ શેખ સૌથી ધનિક ઉમેદવાર છે.

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના (PML-N) નેતા મરીયમ નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભૂટ્ટો ઝરદારી અને આસિફ અલી ઝરદારીએ પણ પોતાની પાસે અબજો રુપિયાની સંપત્તિ હોવાની ઉમેદવારી પત્રમાં જાહેરાત કરી છે.