વિશ્વના 20 અસફળ દેશોની યાદીમાં પાકિસ્તાનનો સમાવેશ

ઈસ્લામાબાદ- ભારત તેના પાડોશી દેશ પાકિસ્તાનને આતંકદવા સામે કડક કાર્યવાહી કરવા સતત ચેતવણી આપતું રહ્યું છે અને આતંકીઓને પાકિસ્તાનની જમીનનો ઉપયોગ નહીં કરવા દેવા અંગે પણ જણાવતું રહ્યું છે. જોકે પાકિસ્તાને ક્યારેય ભારતની વાત માની નથી અને પાકિસ્તાન આતંકવાદને સમર્થન નહીં આપતું હોવાનો રાગ આલાપતું રહ્યું છે.

જોકે હવે પાકિસ્તાનને વૈશ્વિક સમુદાય પણ આતંકવાદી પ્રવૃત્તિ રોકવા અંગે ચેતવણી આપી રહ્યો છે. ફ્રેઝાઈલ સ્ટેટસ ઈન્ડેક્ષના 2017ના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનનો એ 20 અસફળ દેશોમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેણે પોતાની સુરક્ષાની સમીક્ષા કરવાની જરુર છે.

પાકિસ્તાનનો વિશ્વના 20 ફ્રેઝાઈલ સ્ટેટસ દેશોમાં સમાવેશ કરાયા બાદ હવે પાકિસ્તને સમજવું પડશે તે, જે આતંકવાદનો તે ભારતના વિરોધમાં હથિયાર તરીકે ઉપયોગ કરતું આવ્યું છે, એજ આતંકવાદ હવે પાકિસ્તાન માટે પણ માથાનો દુખાવો બની રહ્યો છે. ફ્રેઝાઈલ સ્ટેટસનો ઈન્ડેક્ષ આ વાત તરફ ઈશારો કરે છે.

અમેરિકાની પાક.ને ચેતવણી

અમેરિકા પણ પાકિસ્તાનને પોતાના દેશમાં ચાલતી આતંકી પ્રવૃત્તિ પર રોક લગાવવા અને આતંકીઓને પાકિસ્તાનની જમીનનો ઉપયોગ નહીં કરવા દેવા માટે તેમજ આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે અવારનવાર ચેતવણી ઉચ્ચારતું રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ અમેરિકાની પ્રતિનિધિ સભામાં પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરવાનો એક પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો.

હાલમાં જ ભારત પ્રવાસે આવેલા અમેરિકાના વિદેશપ્રધાન રેક્સ ટિલરસને પાકિસ્તાનને જણાવ્યું હતું કે, જો પાકિસ્તાન પોતાના દેશમાં ચાલતી આતંકીપ્રવૃત્તિ પર રોક નહીં લગાવે તો અમેરિકા જાતે પાકિસ્તાન સામે કાર્યવાહી કરશે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ જણાવી ચુક્યા છે કે, પાકિસ્તાન આતંકવાદીઓ માટે ‘સેફ હેવન’ બની ગયું છે.