પાકિસ્તાનમાં ‘ઈલેક્શન કે સિલેક્શન’? સેના પસંદ કરશે નવો નેતા!

ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં 25મી જુલાઈ એટલે કે આગામી બુધવારે ચૂંટણી યોજાશે. લોકો નવી સરકાર માટે મત આપશે પરંતુ શું પાકિસ્તાનમાં ખરેખર ચૂંટણીઓ યોજાશે કે ચૂંટણી એ માત્ર એક દેખાવ છે. અને ઈલેક્શનના નામે પહેલેથી જ સિલેક્શન કરી દેવામાં આવ્યું છે એ પ્રશ્ન અન્ય દેશો નહીં પણ પાકિસ્તાનમાંથી જ ઉઠી રહ્યો છે.મળતી માહિતી મુજબ પાકિસ્તાનમાં નવી સરકાર અત્યારથી જ નક્કી કરી લેવામાં આવી છે. પાકિસ્તાનના નવા વઝીરે આઝમ એટલેકે વડાપ્રધાનનું સિલેક્શન ચૂંટણી દ્વારા પાકિસ્તાનની જનતા નહીં પણ પાકિસ્તાનની સેના નક્કી કરશે.

પાકિસ્તાનનો અત્યાર સુધીનો ઈતિહાસ સાક્ષી રહ્યો છે કે, ઈસ્લામાબાદની સત્તા કોના હાથમાં રહેશે એ ત્યાંની સેનાએ નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની સેના પોતાના ખાસ માણસને સત્તાનું સુકાન સોંપે છે અથવા સેનાનો વડો પાકિસ્તાનનું સુકાન સંભાળે છે. તો વર્ષ 2018ની સામાન્ય ચૂંટણી પણ આ પરંપરામાંથી બાકાત કેવી રીતે રહી શકે? અત્યાર સુધી પડદા પાછળ રહીને પોતાની ભૂમિકા ભજવી રહેલી પાકિસ્તાની સેના હવે તેના પત્તા ખોલી રહી છે.

એક વાત તો સ્પષ્ટ છે કે, પાકિસ્તાનમાં આર્મીની નારાજગીનો અર્થ ક્યાં તો વ્યક્તિને દેશમાંથી બહાર મોકલે છે અથવા જેલમાં મોકલે છે. એ વાત નવાઝ શરીફ અને ખૂદ પાકિસ્તાની આર્મીના પૂર્વ વડા પરવેઝ મુશર્રફના કેસમાં પણ સાબિત થાય છે. તેથી જો હવે પાકિસ્તાનમાં નવાઝ નહીં તો કોણ? મળતી માહિતી મુજબ હવે પાકિસ્તાની સેનાની નવી પસંદ ક્રિકેટરમાંથી નેતા બનેલા ઈમરાન ખાન છે જેમને આગામી ચૂંટણીમાં પાકિસ્તાન આર્મી સહયોગ કરી તેને ઈસ્લામાબાદની ગાદી પર બેસાડશે તેમ માનવામાં આવી રહ્યું છે.