જર્મની પ્રવાસ માટે મોદીની ફ્લાઈટને એરસ્પેસ આપવાનો પાકિસ્તાને ઈનકાર કર્યો

ઈસ્લામાબાદ – પાકિસ્તાન સરકારે આજે જાહેરાત કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જર્મની જાય ત્યારે એમની ઓવરફ્લાઈટ માટે પાકિસ્તાનની હવાઈ સીમાનો ઉપયોગ કરવા દેવાની ભારત સરકારે કરેલી વિનંતીને ફગાવી દેવાનો એણે નિર્ણય લીધો છે.

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ કહ્યું છે કે હસ્તગત કશ્મીરમાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કુરેશીએ એક વિડિયો નિવેદનમાં જણાવ્યું છે કે, ભારત તરફથી વિનંતી કરવામાં આવી હતી કે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 20 સપ્ટેંબરે જર્મની જવું છે અને ત્યારબાદ 28 સપ્ટેંબરે ભારત પાછાં ફરવું છે. એ બંને વખતે એમની ફ્લાઈટ માટે પાકિસ્તાનની હવાઈ સીમાનો ઉપયોગ કરવાની ઈચ્છા છે.

કુરેશીએ જણાવ્યું છે કે, હસ્તગત કશ્મીરમાં પ્રવર્તતી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને, (કશ્મીરીઓના) દમન અને જુલમ સામે આંખ આડા કાન કરવાના ભારતના વલણ તેમજ વિસ્તારમાં અધિકારોનાં ઉલ્લંઘનને કારણે અમે નક્કી કર્યું છે કે ભારતની વિનંતીનો સ્વીકાર કરવો નહીં.

કુરેશીએ કહ્યું છે કે, અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફ્લાઈટ માટે અમારી એરસ્પેસનો ઉપયોગ કરવા નહીં દઈએ. અમે અમારા આ નિર્ણયની જાણ અત્રેની ભારતીય દૂતાવાસને કરી દીધી છે.

પીએમ મોદી અમેરિકા પ્રવાસ માટે પાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ કરવાના હતા. મોદી 21થી 27 સપ્ટેમ્બર સુધી અમેરિકા પ્રવાસ પર રહેશે. તેઓ 21 સપ્ટેમ્બરે ભારતથી અમેરિકા માટે ઉડાન ભરવાના છે.

ચાલુ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે પણ એરસ્પેસ ખોલવાની ના પાડી દીધી હતી. પાકિસ્તાનના આ પગલાને લઈ ભારતે નારાજગી વ્યક્ત કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]