પાકિસ્તાનઃ સરકારે રક્ષા બજેટમાં કર્યો 10 ટકાનો વધારો

પાકિસ્તાન સરકારે વર્ષ 2018-19 માટે સંસદમાં 5,661 અબજ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. આ વર્ષે પાકિસ્તાન દ્વારા પોતાના રક્ષા બજેટમાં 10 ટકા જેટલો વધારો કર્યો છે.

પાકિસ્તાનના નાણાંપ્રધાન એમ ઈસ્માઈલે છઠ્ઠું પૂર્ણ બજેટ રજૂ કર્યું છે. ગચ નાણાકીય વર્ષ દરમિયાન પાકિસ્તાનનું રક્ષા બજેટ 999 અરબ રૂપિયા જેટલું હતું, જે આ વર્ષે વધીને 1100 અરબ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ પૈસાનો ઉપયોગ પાકિસ્તાન પોતાની સેનાને મજબૂત કરવા માટે કરશે.

પાકિસ્તાન સરકારનું આ છઠ્ઠું બજેટ છે. વર્ષ 2013માં PML-N સરકાર બન્યા બાદ આ અત્યાર સુધીનું સૌથી મોટું રક્ષા બજેટ છે.

નાણાંપ્રધાન ઈસ્માઈલે જણાવ્યું કે બજેટમાં ગત વર્ષની અપેક્ષાએ 13 ટકા સુધીની વૃદ્ધિ થઈ છે. 2018-19માં જીડીપી વૃદ્ધિનું લક્ષ્ય 6.2 ટકા રાખવામાં આવ્યું છે. ગત બજેટમાં આ લક્ષ્ય 6 ટકા હતું, પરંતુ અર્થવ્યવસ્થા 5.8 જેટલી જ વધી શકી.

જો કે પાકિસ્તાન સરકારના આ બજેટનો વિપક્ષે વિરોધ પણ કર્યો હતો કારણ કે અત્યારે વર્તમાન સરકારનો કાર્યકાળ માત્ર 3 મહિના જેટલો જ બાકી રહ્યો છે. પરંતુ નાણાપ્રધાને ટીકાઓનો જવાબ આપતા જણાવ્યું કે સરકાર બજેટ વગર એક દિવસ પણ ન ચાલી શકે અને સંઘીય બજેટની મંજૂરી વગર પ્રાંતીય બજેટ પણ રજૂ કરી શકાતા નથી.